નવી દિલ્હી, તા. 29 : ઓપરેશન સિંદૂર
ઉપર લોકસભામાં ચાલેલી બીજા દિવસની ચર્ચામાં કોંગ્રેસનાં સાંસદ અને વિપક્ષનાં નેતા રાહુલ
ગાંધી અને પ્રિયંકા ગાંધીએ આક્રમક અંદાજમાં
સરકાર ઉપર આરોપ લગાવ્યા હતા. રાહુલે કહ્યું હતું કે,
નરેન્દ્ર મોદીની સરકારમાં પાકિસ્તાન સામે લડવાની ઈચ્છાશક્તિ જ નહોતી.
તેમણે આગળ આક્ષેપ કર્યો હતો કે, ઓપરેશન સિંદૂર શરૂ થયાની રાતે
અડધા કલાકમાં જ યુદ્ધવિરામ કરી નાખવામાં આવ્યું હતું અને આમાં સરકારે પોતાની રાજકીય
ઈચ્છાશક્તિ ગુમાવી દીધી હતી. આ ઉપરાંત રાહુલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પડકાર પણ ફેંક્યો
હતો કે, તેમણે ગૃહમાં આવીને સ્પષ્ટ કહેવું જોઈએ કે યુદ્ધવિરામ
કરાવ્યાનાં ટ્રમ્પનાં દાવા ખોટા છે. પ્રિયંકા ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
પર વળતો પ્રહાર કર્યો હતો અને પૂછ્યું હતું કે પહેલગામમાં આતંકવાદી ઘટના પછી પણ તેમણે
પોતાના પદ પરથી રાજીનામું કેમ ન આપ્યું?
તેમણે 2008ના બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીઓ માટે સોનિયા
ગાંધીએ રડયા હોવાના શાહના આરોપ પર પણ આકરી પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, મારી માતાના આંસુ ત્યારે વહ્યા હતાં જ્યારે
તેમના પતિને આતંકવાદીઓએ શહીદ કરી નાખ્યા હતાં અને તેઓ ત્યારે માત્ર 46 વર્ષના હતા. રાહુલ ગાંધીએ રાજનાથ
સિંહનાં નિવેદનનો હવાલો આપતા કહ્યું હતું કે, રક્ષામંત્રીએ ગૃહમાં કહ્યું હતું કે, આપણે રાતે 1.35 વાગ્યે પાકિસ્તાનને જણાવ્યું
હતું કે, અમે આતંકી અડ્ડાઓ ઉપર હુમલો કર્યો હતો અને આ
કોઈ ઉશ્કેરણી નથી. તેથી કોઈ ઘર્ષણ વધવું જોઈએ નહીં. રાહુલે આગળ આરોપ લગાવ્યો કે,
સરકારે 30 મિનિટમાં
જ પાક. સામે શરણાગતિ સ્વીકારી લીધી અને દેખાડી દીધું કે તમારી પાસે લડવાની ઈચ્છાશક્તિનો
અભાવ છે. આવું કરીને સરકારે વાયુસેનાનાં પાયલટનાં હાથ-પગ બાંધી દીધા હતાં. રાહુલે આગળ
સ્પષ્ટ કહ્યું હતું કે, સરકારે પાક.નાં
સૈન્ય ઠેકાણાઓ ઉપર હુમલો નહીં કરવાનો આદેશ આપવાની ભૂલ કરી અને ઓપરેશન સિંદૂર પછી તરત
જ પાક.ને જણાવી પણ દીધું કે અમે આ ઘર્ષણને આગળ વધારવા નથી માગતાં. જે ઈચ્છાશક્તિ ન
હોવાની કબૂલાત હતી. રાહુલે આગળ 1971નાં યુદ્ધ સમયે ઈન્દિરા ગાંધી અને ફીલ્ડમાર્શલ સેમ માણેકશાની
વાતચીતનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, સેમ માણેકશાએ ઈન્દિરાને કહ્યું હતું કે, અત્યારે હુમલો
થઈ શકે તેમ નથી. છ મહિના બાદ ગરમીની મોસમમાં કાર્યવાહી કરીશું ત્યારે ઈન્દિરાએ પૂરો
સમય આપ્યો હતો અને પાક. સામે ઐતિહાસિક જીત મેળવી હતી. સેનાનાં ઉપયોગ માટે રાજકીય ઈચ્છાશક્તિ
જરૂરી છે. ત્યારે પ્રધાનમંત્રી ઈન્દિરાએ અમેરિકાની પરવા કર્યા વિના સેનાને આગળ વધવાનો
નિર્દેશ આપ્યો હતો. રાહુલે આગળ કહ્યું હતું કે, ઓપરેશન સિંદૂરનો
ઉદ્દેશ પ્રધાનમંત્રીની છબિ બચાવવાનો હતો. અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 29 વખત ભારત-પાક. વચ્ચે ઘર્ષણ
અટકાવ્યાનો દાવો કર્યો છે અને જો તે ખોટું હોય તો વડાપ્રધાને ગૃહમાં આવીને કહેવું જોઈએ
કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યાં છે. કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પોતાના ભાષણમાં પરિવારના
વ્યક્તિગત નુકસાન વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે, આજે
હું આ ગૃહમાં 26 પરિવારની
પીડા વિશે વાત કરી શકું છું. ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પહેલગામ આતંકવાદી હુમલા
પછી સેના પ્રમુખ કે ગુપ્તચર વડાએ રાજીનામું આપ્યું હતું કે કેમ તે અંગે હુમલો કર્યો
હતો. શું ગૃહમંત્રીએ રાજીનામું આપ્યું છે? રાજીનામાને બાજુએ મૂકી દો, આ હુમલાની જવાબદારી પણ લીધી નથી. વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે,
જ્યારે ગૌરવ ગોગોઇએ ગઈકાલે તે જ ગૃહમાં જવાબદારીની વાત કરી ત્યારે રાજનાથ
સિંહ માથું હલાવી રહ્યા હતા, પરંતુ ગૃહમંત્રી હસી રહ્યા હતા અને
કહ્યું હતું કે મુંબઈ હુમલા પછી મનમોહન સરકારે કંઈ કર્યું નથી જ્યારે ઘટના ચાલી રહી
હતી, ત્યારે ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા અને એક બાકી રહ્યો
હતો જેને પકડી લેવામાં આવ્યો હતો અને બાદમાં ફાંસી આપવામાં આવી હતી.