• ગુરુવાર, 31 જુલાઈ, 2025

મનોમંથન કરે ઈડી

દેશની ટોચની આર્થિક તપાસ એજન્સી એનફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)ની કામગીરી સામે સતત સવાલ, શંકા અને આરોપ લાગતા રહ્યા છે. એવા સંખ્યાબંધ કિસ્સા છે જ્યાં ન્યાયતંત્રે ઈડીની કાર્યપ્રણાલીની સામે આકરી ટીકા કરી હોય. આવો તાજો કિસ્સો સર્વોચ્ચ અદાલતને છે, જ્યાં કોર્ટે ચેતવણી આપી છે કે, રાજકીય લડાઈ મતદારોની સામે લડવી જોઈએ, તેમાં ઈડી જેવી તપાસ એજન્સીને હાથો બનાવવી જોઈએ નહીં. ઈડીની સામે રાજકીય ભેદભાવ અને વિપક્ષને નિશાન બનાવવાના આરોપો સતત લાગતા રહ્યા છે. આ ઉપરાંત ઈડી તેના કેસમાં ગુનો સાબિત કરવામાં જોઈએ એવી સફળ ન હોવાના મુદ્દે પણ સવાલ ઊભા થતા રહ્યા છે. આમ તો દરેક તપાસનીશ એજન્સીની કાર્યપદ્ધતિમાં કોઈને કોઈ કચાશ  હોઈ શકે પણ જે રીતે ઈડીની સામે જે રીતે સવાલ ઊભા થઈ રહ્યા છે તેનાથી તેની છબી ખરા અર્થમાં ખરડાઈ રહી છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પત્નીના જમીન ફાળવણીને લગતા એક કેસમાં સર્વોચ્ચ અદાલતે ઈડીની તપાસ સામે આપેલી ચેતવણી ભારે ચોંકાવનારી છે.  આ અગાઉ મદ્રાસ વડી અદાલતે પણ એક સુનાવણીમાં એવી કડક ટીપ્પણી કરી હતીકે ઈડી કાંઈ ડ્રોન નથી કે ગુનો થવાની  જાણ થતાંની સાથે હુમલો કરી દે.  સાથોસાથ અદાલતે એમ પણ કહ્યંy હતું કે, તપાસ એજન્સી કોઈ સુપર કોપ નથી કે તેને ધ્યાને આવતી દરેક બાબતની તપાસ કરે.  અન્ય એક કેસમાં સર્વોચ્ચ અદાલતે કહ્યંy હતું કે, તપાસ એજન્સી પાસે મૌલિક અધિકાર હોય તો તેણે અન્ય લોકોના અધિકાર અંગે પણ વિચારવું જોઈએ. પોતાના અસીલોને કાયદાકીય સલાહ આપતા કે તેમનો કેસ લડતા વકીલોને ઈડી સમન્સ મોકલે તે અંગે પણ સર્વોચ્ચ અદાલતને કહેવું પડયું છે કે, ઈડી તમામ મર્યાદા ઓળંગી ગઈ છે. ઈડી પાસે આર્થિક ગુનાની તપાસ કરવાની સત્તા છે, પણ વિરોધપક્ષો એવા આરોપ મુકતા રહે છે કે, રાજકીય દબાણ તળે આ એજન્સીનો દુરુપયોગ થઈ રહ્યો છે. હવે જ્યારે અદાલતી ટીકા વધી રહી છે, ત્યારે ઈડીએ મનોમંથન કરવાની ખાસ જરૂરત છે. ઈડીએ પોતાની કાર્યપદ્ધતિને પારદર્શક અને નિષ્પક્ષ બનાવવા પર સતત સતર્ક રહેવાની જરૂરત છે. આમ થાય તો જ તેની સાખ ફરી પ્રથાપિત થઈ શકે. 

Panchang

dd