ભુજ, તા. 29 : શહેર સુધરાઇ દ્વારા અમૃત-બે
યોજના હેઠળ 56 કરોડના ખર્ચે ભુજના તમામ વોર્ડને
આવરી લેતા ગટર-પાણી લાઇનના કામો અંગે તમામ નગરસેવકોને વાકેફ કરવા ખાસ બેઠક યોજાઇ હતી.
ભુજ મામલતદાર કચેરી ખાતે સુધરાઇના મુખ્ય અધિકારી અનિલ જાદવની અધ્યક્ષતામાં અને સુધરાઇ પ્રમુખ રશ્મિબેન સોલંકી, ઉ.પ્ર. ઘનશ્યામ ઠક્કર, કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજા,
દંડક રાજેશ ગોર તથા શાસક પક્ષ નેતા કમલ ગઢવીની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં
ભુજના તમામ વોર્ડના 44 નગરસેવકોને
તેમના વિસ્તારમાં હાથ ધરાયેલા અને ધરાનારા કામો અંગે પ્રેઝન્ટેશન દ્વારા માહિતગાર કરાયા
હતા. અમૃત યોજના-એકમાં થોડા કામો બાકી છે.
તે ઝડપભેર પૂર્ણ કરાય જેથી અમૃત યોજના-બે સાથે તેને જોડી શકાય તે માટે નિર્ણય લેવાયો
હતો. તો, અમૃત યોજના-બેમાં અમુક કામો તાત્કાલિક કરાવાયા
તે અંગે પણ માહિતગાર કરાયા હતા. 56 કરોડની માતબર રકમ સાથે થનારી અમૃત યોજના-2ના કામો પૂર્ણ થયે ભુજને નગર અને પાણીની
મોટી સમસ્યામાંથી છૂટકારો મળશે તેવી આશા વ્યકત કરાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાડાની ગ્રાન્ટ હેઠળ સંસ્કારનગરની ગટર સમસ્યા ઉકેલવા તાત્કાલિક લાઇન
ડાયવર્ટ કરવાના કામનું એક-બે દિવસમાં ટેન્ડર ઓનલાઇન મુકાશે તેવી માહિતી પ્રાપ્ત થઇ
હતી. પૂરક વિગતો કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજાએ આપી હતી.