શાંતિલાલ આચાર્ય દ્વારા : ગઢશીશા, તા. 29 : ગઢશીશા અને મંગવાણાની વચ્ચે
આવેલા જાણીતા નનામા ડુંગરની તળેટી અને આ ડુંગર મિની ગિરનારની યાદ અપાવે છે. હાલમાં
સારા વરસાદના કારણે સમગ્ર ડુંગરને જાણે લીલી ચાદરથી ઢાંકવામાં આવ્યો હોય તેવી અનુભૂતિ
થાય છે. નનામા ડુંગરની તળેટીમાં પણ બ્રહ્મલીન સંત મહેશગિરિજી મહારાજનો અખંડ ધૂણો આવેલો
છે. મહેશગિરિજી મહારાજનું સમાધિસ્થાન ઐતિહાસિક ગામ રોહા સુમરી છે અને ત્યાં પણ મોરની
અસંખ્ય સંખ્યા જોવા મળે છે. પ્રાપ્ત
વિગત મુજબ મહારાજ સુમરી રોહા તેમની તપોભૂમિથી નનામા ડુંગર તળેટીમાં સાધના કરવા આવતા
અને ત્યારે પણ ત્યાં મોર તથા અન્ય પક્ષીઓની સંખ્યા ખૂબ જ હતી. વરમસેડા ગામના સેવકોને
ડુંગર વિસ્તારમાં કૂવો ખોદવા આદેશ કર્યો અને મહામહેતને અંદાજિત 100 ફૂટ જેટલો કૂવો ખોદ્યો ત્યારે
પાણી નીકળ્યું હતું. નજીકમાં જ અવાડો બનાવાયો, જેના પર બેસી મોર તથા અન્ય પક્ષી અને પશુઓ પાણી પીતા, જેથી આ અલૌકિક તપોભૂમિનું નામ અપાયું હતું `મોરવીડી.' આ કૂવામાં આજે પણ પાણી સાવ ઉપર જ છે અને બાલદીથી
પાણી ભરી અવાડામાં ઠલવાય છે. સવાર-સાંજ અસંખ્ય મોર તથા અન્ય પક્ષીઓ આવે છે અને તેમના
કલરવથી અલગ જ પ્રકૃતિની અનુભૂતિ થાય છે. અહીં છેલ્લા સાત-આઠ વર્ષથી જેમણે ધૂણાને ચેતન
રાખ્યો છે તેમનું નામ પણ મહેશગિરિ બાપુ છે.