ભાષાનો વિવાદ ભભૂક્યા બાદ મહારાષ્ટ્ર સતત ચર્ચામાં છે,
તે સમયે ત્યાંથી જ સમગ્ર દેશને ગૌરવ થાય તેવા સમાચાર આવ્યા છે. 19 વર્ષની કન્યા દિવ્યા દેશમુખ
શતરંજમાં 2025ના વુમન્સ વર્લ્ડકપમાં વિજેતા
થઈ છે. આ ખિતાબ મેળવનારી પ્રથમ ભારતીય મહિલા તે બની છે, તેની સાથે જ દેશવાસીઓએ હર્ષ અને ગર્વનો અનુભવ
સ્વભાવિક રીતે જ કર્યો છે. દિવ્યાને દેશની શતરંજ કન્યા કહેવામાં ખોટું નથી. અત્યાર
સુધી ચેસનો પર્યાય વિશ્વનાથન આનંદ હતા હવે દેશના `શતરંજ કે ખિલાડી'ની યાદીમાં દિવ્યાનું નામ પણ ઉમેરાયું છે. મેદાની
રમતોમાં ક્રિકેટ પછી ઓલિમ્પિક, પેરાલિમ્પિકમાં ભારતના ખેલાડીઓ
ઉલ્લેખનીય પ્રદર્શન કરી રહ્યા છે, તો સામે ઈન્ડોર ગેમ્સમાં તે
રીતે જ આગળ વધી રહ્યા છે. `પુત્રીનાં લક્ષણ પારણામાંથી' એવી ઉક્તિ દિવ્યા માટે સુસંગત કહી શકાય. કારણ
કે, આજે તેની જે સફળતા આખું વિશ્વ જોઈ રહ્યું છે. તેની શરૂઆત
તેણે માત્ર પાંચ વર્ષની વયે કરી હતી, જ્યારે તેણે અંડર-7 નેશનલ ચેમ્પિયનશિપમાં જીત મેળવી હતી. 2017માં બ્રાઝીલમાં અંડર-12 ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ
મેળવ્યો હતો. 2013માં વુમન્સ ફિડેમાસ્ટર, 2018માં વુમન્સ
ઈન્ટરનેશનલ માસ્ટર, 2021માં વુમન્સ ગ્રાન્ડ માસ્ટર
અને 2023માં ઈન્ટરનેશનલ માસ્ટરનો ખિતાબ
મેળવીને ચેસ જેવી બુદ્ધિની રમતમાં પોતાના કૌશલ્યનું સાતત્ય પૂરવાર કરી દીધું હતું. દિવ્યાએ જ્યોર્જિયાના બટુમીમાં ચેસના મહિલા વિશ્વકપના
રમાયેલા અંતિમ મુકાબલામાં ચેમ્પિયન થઈને ભારતીય રમત ક્ષેત્રનું, મહિલા વર્ગનું ગૌરવ વધાર્યું છે. 19 વર્ષની દિવ્યા પોતાનાથી બમણી
ઉંમરના ખેલાડી સામે વિજેતા થઈ છે. વિશ્વ ચેમ્પિયનની ડી. ગુકેશ, આર.પ્રજ્ઞાનંદધા અને અર્જુન એરીગૈસી જેવા ખેલાડીઓનું
પ્રદર્શન સામેલ છે. માતા-પિતા બંને વ્યવસાયે ત્રી રોગના નિષ્ણાત તબીબી છે ,પરંતુ પુત્રીને પોતાની રુચિ તરફ આગળ વધવામાં તેમણે પ્રોત્સાહન આપ્યું. ક્યાંય
ટૂર્નામેન્ટ હોય તો ટ્રેનમાં જતા-જતા માતા અગાઉની રમતોમાં દિવ્યાના દેખાવની સમીક્ષા
કરતી અને હવે પછી તેને કેમ રમવું તેનું પ્રશિક્ષણ આપતી એટલે આ સિદ્ધિ દિવ્યાની છે,
સાથે જ તેના માતા-પિતાને પણ આ સફળતાનો શ્રેય આપવો જ ઘટે. એક જમાનામાં
વિશ્વ શતરંજ પર રશિયાનું વર્ચસ્વ હતું. ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથન આનંદે તે તોડી પાડયું
એ પછી કોનોટ, હમ્પીએ વિશ્વસ્તરે ભારતનો ચહેરો બનીને સારો દેખાવ
કર્યો. તાજેતરમાં ડી. ગુકેશ અને દિવ્યા દેશમુખે ભવ્ય સફળતા મેળવીને શતરંજમાં ભારતની
સર્વોપરિતા સ્થાપિત કરી છે એ તમામ દેશવાસીઓ માટે ગર્વની વાત છે. દિવ્યા દેશમુખ શતરંજના
બોર્ડ પર છવાઈ ગયેલી દેશની દીકરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેને પાઠવેલી શુભેચ્છામાં
સમગ્ર દેશ સૂર પુરાવે છે. મહારાષ્ટ્ર સરકારે પણ દિવ્યાને સન્માનિત કરવાનો લીધેલો નિર્ણય
યથોચિત છે.