• ગુરુવાર, 31 જુલાઈ, 2025

કચ્છના 696 ગામના ખેડૂતોનાં હિતમાં અભૂતપૂર્વ નિર્ણય

ગિરીશ જોશી દ્વારા : ભુજ, તા. 29 : આઝાદી બાદ અમલમાં આવેલા મહેસૂલી કાયદા અંતર્ગત કચ્છમાં ખેતીવિહોણા પરિવારોને સાથણી કે ગણોતધારા હેઠળ ફાળવવામાં આવેલી નવી શરતની ખેતીની જમીનને જૂની શરતમાં ફેરવવાનો અભૂતપૂર્વ નિર્ણય લેવામાં આવતા કચ્છમાં 696 ગામમાં સુઓમોટો દાખલ કરીને 9565 સર્વે નંબરની 28755 એકર ભૂમિ જૂની શરતમાં ફેરવી દેવાતાં મહેસૂલી તંત્રમાં આઝાદી બાદનો ખેડૂતો માટેનો મોટો ફાયદો   થયો છે. નવી શરત અને જૂની   શરતની મહેસૂલી આંટીઘૂંટીમાં અંદાજે 75 વર્ષથી અટવાયેલા કચ્છના ખેડૂતોને કોઈ પણ જાતના પ્રીમિયમની રકમ ચૂકવ્યા વગર એક જ હુકમથી ખેતીલાયક જમીન જૂની શરતમાં ફેરવી દેવાતાં ભરચોમાસે કચ્છના અંદાજે 20 હજારથી વધુ ખેડૂતના ઘરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. - કલેક્ટરનું કથન : રાજ્ય સરકારનો આ મહત્ત્વાકાંક્ષી નિર્ણય અમુક જિલ્લાઓ પૈકી કચ્છ માટે પણ લેવામાં આવ્યો છે. ત્યારે કચ્છના મહેસૂલી વડા અને કલેક્ટર આનંદ પટેલનો સંપર્ક સાધતાં તેમણે સમર્થન આપ્યું ને કહ્યું કે, સરકારે કચ્છ માટે અત્યાર સુધી મોટો નિર્ણય કર્યો છે.કચ્છમાં શહેરી વિસ્તારના સત્તા મંડળ સિવાય અને ભૂદાન કે ટોચમર્યાદાવાળી કે ઈનામી ધારાની જમીનો ન હોય તેવી દશેય તાલુકાની જે 1950થી કરીને અત્યાર સુધી સાંથણી કે ગણોતિયા તરીકે જેઓ ખેતીવિહોણા હતા તેઓને ફાળવવામાં આવેલી જમીનો હવે  - 696 ગામના ખેડૂતો : એક જ નોંધ પાડી નવી શરતને બદલે જૂની શરતમાં ફેરવી દેવામાં આવી છે. એમ તેમણે જણાવ્યું હતું. - એક સામટો લાભ : કચ્છના 696 ગામના ખેડૂતો માટે સુઓમોટો દાખલ કરી 9565 સર્વે નંબર હવે જૂની શરતમાં સમાવાઈ ગયા છે. કચ્છમાં કુલ 12400 સર્વે નંબરમાંથી રાજ્ય સરકારના ઠરાવ પ્રમાણે 9565 સર્વે નંબરની કચ્છના ગામોની જમીનોની યાદી તૈયાર કરી એકસામટે મહેસૂલની કોઈ આંટીઘૂંટીમાં આવ્યા વગર લાભ આપી દેવામાં આવ્યો છે. - પ્રીમિયમે માફ કરાયું : મહેસૂલી નિયમો પ્રમાણે કોઈ પણ ખેતીની કે ઘર બનાવવા માટે નવી શરતમાં ફાળવવામાં આવેલી ભૂમિને જૂની શરતમાં ફેરવવા માટે સરકારી કચેરીઓના ચક્કર કાપવા પડે ને સરકારની જંત્રી પ્રમાણે થતી પ્રીમિયમની રકમ નક્કી થયા બાદ આ પ્રીમિયમ ભર્યા પછી જ જૂની શરતમાં ફેરવવામાં આવતી હોય છે. નવીમાંથી જૂની શરતમાં ફેરવવાના કિસ્સામાં અત્યાર સુધી જે પ્રક્રિયામાંથી અરજદારો પસાર થયા છે. તેઓને લાખો કે કરોડો રૂપિયાના પ્રીમિયમની રકમ ભરવાનો વારો આવ્યો છે, પરંતુ આજના નિર્ણયમાં સરકારે પ્રીમિયમ માફ કરીને જૂની શરતનો હક્ક આપ્યો છે, એમ કલેક્ટરે જણાવ્યું હતું. હજારો ખેડૂતને લાભ આપતો આ સામૂહિક નિર્ણય અગાઉ ક્યારે લેવાયો છે? આ સવાલ સામે કહ્યું કે, સંભવત: યાદ નથી, પરંતુ આ અત્યંત મોટો નિર્ણય ગણી શકાય. ફાયદો શું થશે એ વિશે પ્રકાશ પાડતાં કહ્યું કે, ખેડૂતોના હિતમાં હોવાથી હવે આ 9565 સર્વે નંબરમાં અગાઉ 7/12ના ઉતારામાં (ન.શ.) લખાયેલું આવતું હતું. તેના બદલે આપોઆપ જૂ.શ.માં ફેરવાઈ ગઈ છે. વેચસાટ જો થાય તો વેચનાર કે ખરીદનારે પ્રીમિયમ ભરવું નહીં પડે અને બિનખેતી માટે ફેરવવાના કિસ્સામાં પણ કલેક્ટરની પરવાનગી જે અગાઉ લેવી પડતી હતી તે લેવી નહીં પડે. - હેતુફેર સરળ બન્યો : દરેક ગામોમાં સ્થાનિક તાલુકાના મામલતદારો દ્વારા કરાયેલા હુકમમાં જણાવાયું છે કે, આ નવી અને અવિભાજ્ય શરતની, પ્રતિબંધિત સત્તા અથવા નિયંત્રિત સત્તા પ્રકારની જમીનો ખેતીથી ખેતી હેતુ માટે તબદિલી કે ખેતીની બિનખેતી હેતુની તબદિલી કે બિનખેતી હેતુફેર (રિવાઝ્ડ બિનખેતી) માટે પ્રીમિયમના હેતુ કલેક્ટરની પરવાનગી લેવાની રહેશે નહીં તેમજ કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ પણ ભરવાનું રહેશે નહીં, તેવું ઠરાવવામાં આવ્યું છે. વિશેષમાં, આ હુકમ ઠરાવના પેરા-(ગ)માં જણાવેલા ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા ધારો-1960 હેઠળની જમીનો, ભૂદાન હેઠળની જમીનો, સહકારી મંડળીઓને સાંથણી હેઠળ ફાળવવામાં આવેલી સરકારી જમીનો, નવસાધ્ય કરવા માટે ફાળવવામાં આવેલી જમીનો, નાળિયેરી-ફળઝાડ ઉછેરવા જેવા અન્ય ચોક્કસ હેતુ માટે ફાળવવામાં આવેલી જમીનોને લાગુ પડશે નહીં તેવું સ્પષ્ટ જણાવાયું હતું. - જોખમોય છે... : બીજી બાજુ મહેસૂલ અને ખેતીના જાણકારોએ આ નિર્ણય સામે જોખમ પણ દર્શાવ્યા હતા. કેમ કે, જે-તે વખતે સરકાર સમક્ષ વખતોવખત ખેતીની જમીનવિહોણા પરિવારો દ્વારા ખેતી કરવા જમીનની માગણીઓ કરવામાં આવતી હોવાથી સરકારે માત્ર ખેતી કરવા સાંથણી કચેરી યોજી જરૂરિયામંદોને જમીનો ફાળવી હતી જે નવી શરત પ્રમાણે હતી. પણ હવે જો જૂની શરતમાં ફેરવાશે, તો ખેતી નષ્ટ થશે અને ગામડાઓમાં પણ બિનખેતીનું પ્રમાણ વધતું જતું હોવાથી પરંપરાગત ખેતી પડી ભાંગશે, જે આવનારા સમય માટે મોટા પડકારો ઊભા કરી શકે તેમ છે. તેવી ભીતિ વ્યક્ત થઈ હતી. 

Panchang

dd