ભુજ, તા. 28 : મુંદરાના
કાંડાગરા-શિરાચા વચ્ચે અદાણી લેબર કોલોનીના ગેટની સામે ગઈકાલે બપોરે પૂરપાટ આવતા
ટ્રેક્ટરે રાહદારી મહિલાને અડફેટે લઈ સાઈડમાં શાકભાજી વેચતા કાછિયાઓ તરફ ટ્રેક્ટર
ચડતાં અન્ય ત્રણ મહિલાઓને ઈજાગ્રસ્ત કર્યા હતા, જેમાં એક ગંભીર હોવાનું તથા એક મહિલાના
પગમાં અસ્થિભંગની ઈજા સામે આવી છે. આ અકસ્માત અંગે કાંડાગરા રહેતા અને શાકભાજી
વેચતા 60 વર્ષીય ચંપાબેન બાબુભાઈ પટ્ટણીએ ફરિયાદ મુજબ તા. 27/7ના
બપોરે તેઓ શાકભાજીની લારી પર વેપાર કરતા હતા,
ત્યારે કાંડાગરા તરફથી પૂરપાટ આવેલા ટ્રેકટર નં. જી. જે. 12 એફસી 1254વાળાના
ચાલકે માર્ગ પર મહિલાને અડફેટે લઈ બાજુમાં રોડ સાઈડ ઊભેલી તેમની લારી સાથે અથડાવતા
તેમના બન્ને પગમાં ફ્રેક્ચર જેવી ઈજા પહોંચાડી હતી. આ અકસ્માતમાં અન્ય ત્રણ
હાજરાબાઈ ઉમર કુંભાર, જયશ્રીબેન નરશી મહેશ્વરી અને ગીતાબેન વિજય પટ્ટણી (રહે. તમામ કાંડાગરા)ને
પણ ગંભીર તેમજ સામાન્ય ઈજા પહોંચાડી ટ્રેકટરચાલક વાહન છોડી સ્થાનિકેથી નાસી છૂટયો
હતો. આ ફરિયાદના આધારે મુંદરા પોલીસે ટ્રેકટરચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ આદરી
છે. દરમ્યાન આ ઘાયલો પૈકી હાજરાબાઈની હાલત
ગંભીર હોવાની વિગતો વર્તુળો પાસેથી મળી છે. દરમિયાન, સ્થાનિકેથી
આ અકસ્માત સંદર્ભે મળતી વધુ વિગતો મુજબ અહીં ભારે ટ્રાફિકજામ સર્જાય છે. કારણ કે,
આસપાસના ઔદ્યોગિક વિસ્તારના શ્રમજીવીઓને રવિવારે રજા હોય છે અને
કંપની તરફથી તેમને વધારાની રકમ પણ મળે છે અને એ દિવસે ટ્રાફિકને કંટ્રોલ કરનાર નથી
હોતું. દરમિયાન, ટુંડાના સરપંચ કીર્તિભાઈ રાજગોરે જણાવ્યું
હતું કે, રસ્તો નાનો છે અને આસપાસ બનેલા ગેટ પણ દૂર નથી. આ
અકસ્માત વિસ્તારની નજીકમાં લગભગ 12થી 14 હજાર
શ્રમજીવીઓ રહે છે, જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ હેઠળ છે અને એમને માટે અગાઉથી યોગ્ય માળખાંકીય
વ્યવસ્થા ન હોવાને કારણે પણ ગીચતાભરી બજાર ભરાય છે. અગાઉ પણ આવા ઘણા અકસ્માત થઈ
ચૂક્યા છે અને બહાર નીકળવાના અને અંદર જવાના ગેટ અલગ-અલગ નથી. રવિવારે ટ્રાફિક
નિયમન યોગ્ય રીતે ગોઠવાય તે માટે તંત્રએ યોગ્ય પગલાંઓ લેવા જોઈએ.