નવી દિલ્હી, તા. 29 : ડિજિટલ આર્થિક
વ્યવહારોની દુનિયામાં ભારત અગ્રણી સ્થાન નિભાવી રહ્યું છે, ત્યારે ટૂંક સમયમાં દેશમાં યુપીઆઇથી થતા આર્થિક
વ્યવહારોમાં `પીન' નંબરની જરૂરત સમાપ્ત થઇ શકે છે. હવે યુપીઆઇ
વ્યવહારોમાં `િપન' નંબરના સ્થાને ફિંગરપ્રિન્ટ, ફેસઆઇડી અને આઇરિસ સ્કેનનો ઉપયોગ થઇ શકશે. એનપીસીઆઇ આ દિશામાં કામ કરી રહ્યું
છે અને ટૂંક સમયમાં તેને અમલી બનાવાય તેવી સંભાવના છે. આ પગલું એવા લોકો માટે ખાસ ઉપયોગી
બનશે જેઓ યુપીઆઇ પીન યાદ રાખવામાં મુશ્કેલી
અનુભવે છે, બાયોમેટ્રિક
ચૂકવણી પદ્ધતિથી છેતરપિંડીની સંભાવનાઓ પણ ઘટી શકે છે. - પીનની જરૂર પડશે નહીં : જો નવી પ્રણાલી
અમલી બનશે, તો યુપીઆઇ ચૂકવણી વખતે
પીન નંબર નાખવાની જરૂર રહેશે નહીં, વિકલ્પમાં બાયોમેટ્રિક ઓળખાણ
જેમ કે, ફિંગરપ્રિન્ટ, ચહેરાનું સ્કેન કે
આયરિસ સ્કેન કરીને ચૂકવણી કરી શકશે. આ પદ્ધતિ પીન કે પાસવર્ડથી વધુ સલામત અને સરળ છે.
કેમ કે, તેની નકલ થઇ
શકતી નથી. - થોડા સમયમાં
અમલી બનશે : : નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા
(એનપીસીઆઇ) આ દિશામાં કામ કરે છે. તેઓનો હેતુ એ છે કે, યુપીઆઇ ચૂકવણી સલામત અને સુવિધાજનક બને. જો
કે, નવા સુધારાના અમલની કોઇ ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી,
પરંતુ થોડા મહિનામાં યુપીઆઇ એપ્સમાં આ અપડેટ જોવા મળી શકે છે. - કેવી રીતે ખરાઇ થશે ? : રૂપિયાની
ચૂકવણીના સમયે ક્યુઆર કોડને સ્કેન કર્યા બાદ પીનની જગ્યાએ બાયોમેટ્રિક વેરિફિકેશનનો
વિકલ્પ આવશે. ફિંગરપ્રિન્ટ સ્કેનર અથવા ફોનના ફેસ આઇડીથી ચકાસણી બાદ ચૂકવણી થઇ જશે, એમ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. - મોટા ભાગની એપ્સમાં આ સુવિધા
આવશે : આ નવા ફેરફારને ગૂગલ પે, ફોન પે, પેટીએમ જેવી તમામ
મોટી યુપીઆઇ એપ્સ સ્વીકારી શકે છે. જો કે, આરંભમાં કેટલીક પસંદગીની
એપ્સ પર તેની શરૂઆત થઇ શકે છે.