ભારત-ચીની ભાઈ ભાઈના દિવસો ફરીથી
શરૂ થઈ રહ્યા છે. લગભગ પાંચ વર્ષના ગાળા પછી ભારતે ચીની નાગરિકોને ટૂરિસ્ટ વિઝા
આવતા મહિનાથી આપવાની જાહેરાત કરી છે. વર્ષ 2020માં ગલવાન ખાતે ચીની સૈનિકોએ
ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ભારતીય સૈનિકોએ એમને રોક્યા અને બાથંબાથી થઈ
ત્યારથી સરહદ ઉપર તંગદિલી વધી હતી અને વિઝા આપવાનું બંધ થયું હતું. ગયા વર્ષે
રશિયામાં બ્રિક્સ શિખર પરિષદમાં મોદી ચીનના પ્રમુખ શી જિનપિંગને મળ્યા તે પછી
તંગદિલી હળવી થવાની શરૂઆત થઈ હતી અને ઉચ્ચકક્ષાએ મુલાકાતો થયા પછી સરહદ ઉપર
સૈનિકોની સંખ્યા પણ ઘટાડવામાં આવી છે. આ વર્ષે ભારતીય યાત્રીઓ માટે કૈલાસ માનસરોવર
યાત્રાનો માર્ગ પણ ખોલવામાં આવ્યો છે. આપણા વિદેશપ્રધાન એસ. જયશંકરે ચીની
વિદેશપ્રધાનને પણ અનુરોધ કર્યો હતો કે,
શાંઘાઈ સહકાર ગ્રુપની બેઠકમાં અધ્યક્ષપદે ચીન હશે. એમણે પાકિસ્તાની
આતંકવાદ વિરોધી ટિપ્પણી કરવી જોઈએ. આ પછી ચીનની પ્રતિક્રિયા યોગ્ય હોવાનું મનાય
છે. ગલવાન સંઘર્ષ બાદ પહેલીવાર ભારત-ચીન વચ્ચે ચીનમાં યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય
મંત્રણા દરમ્યાન ચીની ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગે 2023માં
વડાપ્રધાન મોદી અને ચીની સુપ્રીમો શી જિનપિંગ વચ્ચેની મુલાકાતનો ઉલ્લેખ કરતાં
કહ્યું હતું કે, બંને નેતાની મુલાકાત પછી બંને દેશે એકબીજાના સહાયકની ભૂમિકા ભજવવી જોઇએ.
એક સકારાત્મક પગલાં તરીકે કૈલાસ માનસરોવર યાત્રાને મંજૂરી આપી છે. વડાપ્રધાન મોદી
આવતા મહિને શાંઘાઈ સહકાર ગ્રુપની શિખર પરિષદમાં જનારા છે, તે
પહેલાં વિઝા સવલતની જાહેરાત છે તેને ચીનના વિદેશ ખાતાએ રચનાત્મક પગલું કહીને
આવકારી છે અને કહ્યું છે કે, સરહદ ઉપરની તંગદિલી ઘટે અને
પ્રવાસની છૂટછાટ મળે એ આવકારપાત્ર છે. ચીન પણ સંવાદ વહેવાર ચાલુ રાખીને બંને દેશ
વચ્ચેની અવરજવર આસાન બનાવશે. હવે 31મી ઓગસ્ટે મળનારી શિખર પરિષદમાં
હાજરી આપવા જાય તો સાત વર્ષમાં મોદીની આ પ્રથમ ચીન મુલાકાત હશે. હવે સરહદ ઉપર
સુમેળ અને સંવાદ વધારવા માટે ઉચ્ચકક્ષાએ વાટાઘાટ જારી રહેશે. આ માટે ચીનના વિશેષ
પ્રતિનિધિ ભારતના રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજિત ડોભાલને મળનારા છે. યાત્રીઓને
વિઝા શરૂ થયા પછી ભારતમાં ચીની મૂડીરોકાણ અને ભાગીદારીમાં પણ વૃદ્ધિ થવાની આશા છે.