ભારતના 76મા
ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી થઇ. દુનિયામાં ભારતની બ્રાન્ડ અને આપણી નેતૃત્વ
શક્તિનાં માનપાન વધી રહ્યાં છે. દુનિયાનું સૌથી વિશાળ લોકતંત્ર, સૌથી યુવા માનવશક્તિનાં
બળે રાષ્ટ્ર અપ્રતિમ વિકાસના માર્ગે આગળ વધવા તત્પર-પ્રતિબદ્ધ છે. એક સમયે જેનાથી
છાનો ભય રહેતો એ ચીન જેવી મહાસત્તાને ભારતે પોતાની રાજદ્વારી મુત્સદ્દીગીરીથી મહાત
આપી છે. પ્રજાસત્તાક દિવસે દેશની રાજધાની દિલ્હીમાં કર્તવ્યપથ (રાજપથ) પર નીકળતી
ભવ્ય પરેડમાં આપણી બહુવિધ સંસ્કૃતિ, લોકજીવન, કળાની સાથે લશ્કરી સામર્થ્યનાં પણ દર્શન થાય છે. આ વખતે પહેલી જ વાર
સૈન્યની ત્રણે પાંખ લશ્કર, નૌકાદળ અને હવાઇદળની સંયુક્ત
ઝાંખીએ આકર્ષણ જમાવ્યું. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો પરેડમાં
મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત હતા. પહેલીવાર ઇન્ડોનેશિયાના 352 સદસ્ય
ગણતંત્ર દિવસની પરેડમાં સામેલ થયા હતા. ઇન્ડોનેશિયા સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધો
ગાઢ રહ્યા છે. બંને રાષ્ટ્ર વચ્ચે સાંસ્કૃતિક સામ્યતા છે. દરમ્યાન, ભારતનાં રાષ્ટ્રપતિ
દ્રૌપદી મુર્મુએ 76મા પ્રજાસત્તાક દિવસની
પૂર્વસંધ્યા પર રાષ્ટ્રજોગા સંદેશમાં કેન્દ્ર સરકારે કરેલાં કામોની પ્રશંસા કરી
છે. એક રાષ્ટ્ર - એક ચૂંટણીને સાહસપૂર્ણ દૂરદર્શિતાનો પ્રયાસ ગણાવ્યો છે.
માનસિકતાને બદલવાના પ્રયાસ થતા હોવાની ચર્ચા કરી છે. તેમણે કહ્યું હતું કે, એક રાષ્ટ્ર - એક
ચૂંટણીથી શાસનમાં નિરંતરતાને પ્રોત્સાહન મળી શકે છે. જાતિ નિવારણથી સંકળાયેલી
નિક્રિયતા સમાપ્ત કરી શકાય છે તથા આર્થિક બોજો ઓછો કરી શકાય છે. ભારતીય દંડ સંહિતા,
દંડ પ્રક્રિયા સંહિતા, ભારતીય સાક્ષ્ય
અધિનિયમનાં સ્થાને ભારત ન્યાય સંહિતા, ભારત નાગરિક સુરક્ષા
સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમને લાગુ કરવાના નિર્ણયનો પણ તેમણે ઉલ્લેખ ર્ક્યો
છે. મુર્મુએ કહ્યું કે, સ્વતંત્રતાના સમયે દેશના અનેક
વિસ્તારો અત્યાધિક ગરીબી અને ભૂખમરાનો સામનો કરી રહ્યા હતા. આપણે આત્મવિશ્વાસ
રાખ્યો અને વિકાસ માટે પરિસ્થિતિઓનું નિર્માણ ર્ક્યું. હાંસિયામાં ધકેલાઈ ગયેલી
જાતિઓને સહાય પ્રદાન કરવાની પણ તેમણે ચર્ચા કરી છે. પ્રયાગરાજમાં મહાકુંભને સમૃદ્ધ
વિરાસતની પ્રભાવી અભિવ્યક્તિ ગણાવી છે. એક ચૂંટણીની ફોર્મ્યુલા નવી નથી. કારણ કે,
સ્વતંત્રતા પછી લાંબા સમય સુધી દેશમાં એકસાથે જ ચૂંટણી કરાવવામાં
આવી હતી, પરંતુ વચગાળાની કે અસાધારણ પરિસ્થિતિઓમાં
વિધાનસભાઓની અલગ ચૂંટણી થાય તે ગેરબંધારણીય નહોતું. એકસાથે સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણી કરાવવી નક્કી પડકારરૂપ હોઈ શકે છે,
પરંતુ આમ કરવાથી આર્થિક બોજો ઓછો થશે અને વિકાસનાં તેમજ સરકારી
કામકાજમાં અડચણો ઓછી થશે. વિપક્ષ એકસાથે ચૂંટણીનો વિરોધ કરે છે. શંકા વ્યક્ત
કરવામાં આવે છે કે, પ્રાદેશિક પક્ષોને નુકસાન થઈ શકે છે અને
સરકારનું ષડયંત્ર ગણાવી રહ્યા છે. આમ છતાં, એક ચૂંટણીને લઈ
મોદી સરકાર કેટલી અડગ છે, તે જોતાં દેખાઈ રહ્યું છે કે,
જલ્દી જ આ નિર્ણય અમલમાં આવશે. ગરીબી-ભૂખમરાથી ઝઝૂમતા અથવા વંચિતોને
લાભ પહોંચાડવાની કવાયત લાંબા સમયથી ચાલુ છે. આનું શ્રેય મોદી સરકારને આપી શકાય કે
નહીં તેનું રાજકારણ પણ ચાલે છે, રાષ્ટ્રપતિ સત્તાપક્ષની પીઠ
થાબડતાં જ દેખાવાનાં છે. રાષ્ટ્રપતિજીએ સૈનિકો, પોલીસ અને
અર્ધ સૈનિક દળોની પ્રશંસા સાથે જ તેમણે ન્યાયતંત્ર, શાસકીય
સેવાઓ વડે વિદેશોમાં ચાલી રહેલી સેવાઓની પણ નોંધ લીધી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી
મુર્મુએ કહ્યું છે કે, આજે ભારત વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું
છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતની પ્રતિભા વધી છે. પ્રગતિની આ રફતાર આગળ પણ જળવાઈ
રહેશે. ભારતીયો તરીકે આપણી સામૂહિક ઓળખનો આધાર સંવિધાન પ્રદાન કરે છે, તે આપણને એક પરિવાર સાથે બાંધે છે. ન્યાય, સ્વતંત્રતા,
સમાનતા ને બંધુત્વ આપણા વારસાનો હિસ્સો છે. રાષ્ટ્રપતિએ બીજા અનેક
મુદ્દાઓની છણાવટ, આવનારા દિવસોમાં ભારતની વધતી જતી પ્રગતિનો
સમોચિત ગ્રાફ રજૂ ર્ક્યો છે.