માંડવી, તા. 28 (પ્રતિનિધિઓ
દ્વારા) : શહેરમાં ન્યાયાલયની બાજુમાં આવેલ આઈ ડેવીડ એન્ડ કંપની પ્રા. લિ. માટીની મિલમાં
આજે બપોરે આગ લાગતાં અફરાતફરી સર્જાઈ હતી. આગને બુઝાવવા માંડવી નગરપાલિકાની ફાયર બ્રિગેડની
ટીમ પહોંચી ગઈ હતી. નવા નાકા પાસે માટીની મિલમાં બપોરે બે વાગ્યાની આસપાસ મહિલા કર્મચારી કચરો સળગાવતા હતા, ત્યારે આ ઘટના બની હતી, જે જગ્યાએ કચરો સળગાવ્યો હતો. તેની બાજુમાં બિનઉપયોગી સૂકા લાકડાંનો કાટમાળ
પડયો હતો. પવનને કારણે સળગતો કચરો ત્યાં ઊડી જતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું,
જેને પગલે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા. ઓપન પ્લોટમાં આગ
લાગતાં ઝાડપાન કે અન્ય મકાન વિગેરે નુકસાનથી બચી જવા પામેલ હતા. આગની જ્વાળા શહેરના
ચારેય ખૂણામાંથી નજરે પડતાં લોકો બનાવના સ્થળે એકત્ર થયા હતા.આગના બનાવ અંગે માંડવી
નગરપાલિકાના મુખ્ય અધિકારી જિજ્ઞેશ બારોટ તેમજ હેડ કલાર્ક મનજી પરમારે ભૂપેન સલાટને
જાણ કરતાં ફાયર બ્રિગેડની ટીમના ભીમજી ફુફલ, અરાવિંદ ડાભી,
કમલેશ કોલી ઉપરાંત પાલિકાના પ્રવીણ સુથાર, મોશીન
કોરેજા, સાવનાસિંહ રાઠોડ, વિનિત ગોર,
પ્રકાશ પરમાર સહિતના કર્મચારીઓ ઘટના સ્થળે મદદરૂપ બન્યા હતા અને ગણત્રીના
કલાકમાં આગને કાબૂમાં લઈ આવ્યા હતા તેમજ પાણીના અન્ય ટેન્કર અને મિલમાં ઓવર હેડ ટેન્કમાં
ભરેલ પાણી સપ્લાય કરવામાં આવેલ. સાથે આગને કાબૂમાં લેવા માટીનો છંટકાવ કરવામાં આવ્યો
હતો.આગની ઘટના સમયે સ્થળ પર મામલતદાર વી.કે. ગોકલાણી, પોલીસ ઈન્સ્પેકટર
ચેતકભાઈ બારોટ સાથે માંડવી પોલીસ સ્ટેશનના વિશ્રામભાઈ પટેલ, રામભાઈ
ગઢવી, કિરણભાઈ ચૌધરી, ધીરેનગિરિ ગોસ્વામી,
ઉપરાંત પી.જી.વી.સી.એલ.ની ટીમ, નગરસેવક પારસ સંઘવી,
પૂર્વ ઉપનગરપતિ નરેન સોની, ભૂજંગી સંઘવી વિગેરે
પહોંચી ગયા હતા અને સહયોગી રહ્યા હતા.