• ગુરુવાર, 30 જાન્યુઆરી, 2025

ખાલી પેટે કેમ રમશે ગુજરાત : બાળકો માટે ભોજનની વ્યવસ્થા નહીં

ગાંધીધામ, તા. 28 : રાજ્ય સરકાર દ્વારા બાળકોમાં રહેલ રમતગમતની પ્રવૃત્તિને બહાર લાવવા તેમની પ્રતિભાને મંચ પૂરો પાડવાના હેતુથી ખેલ મહાકુંભનું આયોજન કરાય છે. હાલમાં આદિપુર ખાતે જિલ્લાકક્ષાના કરાટે, ફૂટબોલ વગેરે સ્પર્ધાનું આયોજન કરાયું છે, જેમાં જિલ્લાના તમામ તાલુકામાંથી બાળકો અહીં રમવા આવે છે. તેમના માટે ભોજનની વ્યવસ્થા પણ કરાઇ નહોતી. આવામાં કેવી રીતે રમશે ગુજરાત સહિતના પ્રશ્નો બહાર આવ્યા હતા. રાજ્યના બાળકોનો શારીરિક વિકાસ સુદૃઢ થાય અને બાળકો રાજ્ય-રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાઠું કાઢે તેવા હેતુથી ખેલ મહાકુંભનું આયોજન દરવર્ષે સરકાર દ્વારા કરવામાં આવતું હોય છે અને દરવર્ષે આ જિલ્લામાંથી જુદી-જુદી રમતોમાં બાળકો ઝોન કક્ષાએ અને રાજ્યકક્ષાએ પણ પહોંચે છે. આ વર્ષે આદિપુરની મૈત્રી શાળાના સંકુલમાં જિલ્લાકક્ષાની કરાટે, ફૂટબોલની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાપર, ભચાઉ, નખત્રાણા, ભુજ, માંડવી વગેરે જગ્યાએથી ખેલાડીઓ સ્પર્ધામાં ભાગ લેવા આવે છે. વહેલી સવારે ઘરેથી નીકળીને આ ખેલાડીઓ સ્પર્ધાની જગ્યાએ પહોંચે છે જે પૈકી અમુક ખેલાડીઓનો સાંજે વારો આવે છે અને ઘરે પહોંચતાં-પહોંચતાં રાત પડી જતી હોય છે. ભાગ લેવા આવતા આવા ખેલાડીઓ માટે ભોજન કે ફૂડ પેકેટની કોઇ જ વ્યવસ્થા કરાતી નથી. સ્થાનિક સંચાલકોએ પરિપત્રમાં ખેલાડીઓ માટે ભોજન વ્યવસ્થા કરવાની કોઇ જ જોગવાઇ ન હોવાનું જણાવ્યું હતું તેમજ કોચ, રેફરી માટે પણ પોતાની મેળે જ ભોજન વ્યવસ્થા કરાઇ હોવાનું બહાર આવ્યું હતું. ખેલાડીઓને ભૂખ્યા રાખીને ભૂખ્યા પેટે સ્પર્ધા કરાવવામાં આવે છે તે કેટલે અંશે યોગ્ય છે. દૂર-દૂરથી આવતા બાળકો મોડીરાત્રે ઘરે પહોંચે છે. માનવતાની દૃષ્ટિએ પણ બાળકો માટે ફૂડ પેકેટ કે ભોજનની વ્યવસ્થા કરવી જોઇએ, તેવો ઉચાટ વાલીઓમાં જોવા મળ્યો છે. ભૂખ્યા પેટે કેવી રીતે રમશે ગુજરાત તે સહિતના પ્રશ્નો બહાર આવ્યા છે. આ અંગે ડી.એસ.ડી.ઓ. જ્યોતિ ઠાકુરનો સંપર્ક કરતાં તેમનો સંપર્ક થઇ શક્યો ન હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd