• ગુરુવાર, 30 જાન્યુઆરી, 2025

યમુનામાં ઝેરનો `આપ'નો આરોપ : પંચે પુરાવા માગ્યા

નવી દિલ્હી, તા. 28  : હરિયાણા સરકાર યમુના નદીને ઝેરયુક્ત બનાવી રહી છે એવા આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલના દાવાને પગલે રાજકીય ગરમી સર્જાઈ છે. ભાજપે કહ્યું છે કે આવા ખતરનાક નિવેદન બદલ તેમને માફ કરાય તેમ નથી. જ્યારે ચૂંટણીપંચે આપ વડા પાસેથી આવતીકાલે રાત્રે 8 વાગ્યા સુધી તેમના દાવાને લગતા વાસ્તવિક પુરાવા માગ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી આતિશી અને પંજાબના સી.એમ. ભગવંત માન ચૂંટણીપંચના અધિકારીઓને મળ્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે, ભાજપના નેતૃત્વ હેઠળની હરિયાણા સરકાર જાણીબુઝીને યમુના નદીમાં એમોનિયાનું પ્રમાણ વધારે છે. કેજરીવાલે પણ ગઈકાલે આ પ્રકારનો દાવો કર્યો હતો. ત્યારબાદ ભાજપે પણ તેમના બયાન સામે ચૂંટણીપંચનો સંપર્ક કર્યો હતો. પંચે કેજરીવાલ પાસે તેમના દાવને લગતા પુરાવા માગ્યા છે. દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાએ આતિશીને પત્ર લખીને જણાવ્યું હતું કે, આપના વડાની ટિપ્પણી બહુ વાંધાજનક છે અને રાષ્ટ્રીય સુરાક્ષાને જોખમમાં મૂકતી છે.  આપ સુપ્રીમોએ કહ્યું હતું કે, હરિયાણાના મુખ્યમંત્રીએ આ મામલે રાજકારણ રમવું જોઈએ નહીં. તમને લોકો સજા આપશે. હું દિલ્હીના લોકોને ઝેરયુક્ત પાણી પીવા દઈશ નહીં. સક્સેનાએ દિલ્હીના મુખ્યમંત્રીને `સંકુચિત હિતો'થી ઉપર ઊઠવા અને લોકકલ્યાણ અને શાંતિના હિતમાં  ભ્રામક, ભયજનક અને આધારવિહોણા નિવેદનો આપવાથી દૂર રહેવા જણાવ્યું હતું. બાદમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન અને હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીના નેતૃત્વમાં ભાજપનું એક પ્રતિનિધિમંડળ ચૂંટણીપંચ પાસે પહોંચ્યું હતું અને ભારતના  સંઘીય માળખાં માટેના જોખમી નિવેદનો આપવા બદલ અરવિંદ કેજરીવાલને દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર કરતા રોકવા માટેની માગણી કરી હતી. પ્રતિનિધિમંડળે ચૂંટણીપંચને વિનંતી કરી હતી કે, કેજરીવાલને તેમના આરોપો પાછા ખેંચવા અને લોકોમાં ગભરાટ ફેલાવવા બદલ માફી માગવા નિર્દેશ આપવાની માંગ કરી હતી. પ્રતિનિધિમંડળે કેજરીવાલ સામે કાનૂની પગલાંની પણ માગણી કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd