ગાંધીધામ, તા. 28 : દીનદયાલ પોર્ટ ઓથોરિટીના યજમાન
પદે આયોજિત ઓલ ઈન્ડિયા મેજર પોર્ટ ઓથોરિટી
ક્રિકેટ ટૂર્નામેન્ટમાં યજમાન ડી.પી.એ.ની ટીમે ચેમ્પિયન બનીને ટ્રોફી અંકે કરી હતી. સતત બીજા વર્ષે આયોજિત
આ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં યજમાન ટીમ સહિત નવ મહા બંદરગાહની ટીમોએ ભાગ લીધો હતો. ગોપાલપુરી સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે દીનદયાલ પોર્ટ અને મુંબઈ પોર્ટની ટીમ વચ્ચે ફાઈનલ જંગ ખેલાયો હતો.ડેપ્યુટી ચેરમેન નંદીશ શુક્લાના હસ્તે ટોસ ઊછાળી ફાઈનલ મેચનો આરંભ કરાયો હતો. ડીપીએની
ટીમે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી.
ડીપીએની ટીમે 20 ઓવરમાં 150 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં મુંબઈ પોર્ટની ટીમ 83 રનમાં જ ઓલઆઉટ થઈ જતાં યજમાન ટીમનો 67 રને શાનદાર વિજય થયો હતો. બોલિંગ, ફિલ્ડિંગ અને આત્મવિશ્વાસ સહિતના પરિબળોથી યજમાન ટીમે જ્વલંત સફળતા મેળવી
હતી, જ્યારે મુંબઈ પોર્ટની ટીમ ઉપવિજેતા બની હતી. ત્રીજા ક્રમ
માટે યોજાયેલી મેચમાં ન્યૂ મેંગ્લોર પોર્ટની
ટીમ 49 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બીજા
દાવમાં ચેન્નઈ પોર્ટની ટીમ એક વિકેટના નુકસાનથી
49 રનનો લક્ષ્યાંક પૂરો કરી નવ
વિકેટે જીત મેળવીને ત્રીજા ક્રમાંકે રહી હતી. મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝનો ખિતાબ
ડીપીએના વિહારસિંહ જાડેજાએ અંકે કર્યો હતો. બેસ્ટ બેટ્સમેન ચેન્નઈ પોર્ટના શ્રી નીરંજન, બેસ્ટ બોલર મુંબઈ પોર્ટના યોગેશ બીચોલકર, બેસ્ટ ફિલ્ડર મુંબઈ પોર્ટના
રિદય ખાડકા જાહેર થયા હતા. ઈનામ વિતરણ સમારોહમાં મુખ્ય અતિથિ પદેથી બોલતાં કસ્ટમ કમિશનર એમ. મોહન રાવે દીનદયાલ પોર્ટે માત્ર
રમતગમત જ નહીં, પરંતુ દરેક ક્ષેત્રમાં કલ્યાણકારી કાર્ય કર્યું હોવાની લાગણી વ્યક્ત કરી
હતી. આ રમતગમતનાં આયોજનથી દરેકને એક-બીજાથી
નજીક લાવવા અને દરેક કર્મચારી વચ્ચે મૈત્રીભર્યું વાતાવરણ બનાવવા બદલ તેમણે ડીપીએ પ્રશાસનને
અભિનંદન પાઠવ્યાં હતાં. ડીપીએ ઉપાધ્યક્ષ નંદીશ શુક્લાએ રમતગમતના ક્ષેત્ર માટે ડીપીએ શક્ય તેટલા વ્યાપક
પ્રયાસ કરશે, તેવું કહી
ફૂટબોલનાં મેદાનને રાષ્ટ્રીય સ્તરનું બનાવી મેજર પોર્ટ ફૂટબોલ મેચનું આયોજન કરાશે
તેવી માહિતી આપી હતી. સેક્રેટરી સી. હરિચંદ્રને ટૂર્નામેન્ટના આયોજન અંગે વાત કરી હતી.
ચીફ રેફરી આકાશ તોમરે સફળતા હંમેશાં મહેનત,
એકાગ્રતા અને પ્રયત્નથી મળે છે તે ડીપીએની ટીમે સાબિત કર્યું હોવાની
લાગણી વ્યક્ત કરી હતી. ડી.પી. વર્લ્ડના પ્રોજેક્ટ
ડાયરેક્ટર સુરેશ જોસેફે પ્રાસંગિક વકતવ્ય આપ્યું હતું. આયોજનમાં પર્સનલ ઓફિસર રવિ મહેશ્વરી, એ.બી. પ્રધાને વ્યવસ્થા સંભાળી હતી.પોર્ટના વિભાગીય વડાઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.