ભુવનેશ્વર, તા. 28 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે
ભુવનેશ્વરમાં ઉત્કર્ષ ઓરિસ્સા - મેક ઇન ઓરિસ્સા કોન્ક્લેવ 2025માં અમદાવાદની કોલ્ડપ્લે કોન્સર્ટનો
ઉલ્લેખ કરતાં દેશમાં લાઇવ મ્યુઝિક કોન્સર્ટની
અપાર સંભાવના હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, તમે મુંબઈ અને અમદાવાદમાં યોજાયેલા બ્રિટિશ
રોક બેન્ડ કોલ્ડપ્લેના કોન્સર્ટની શાનદાર તસવીરો નિહાળી હશે. ભારતમાં આવા લાઇવ મ્યુઝિક
કોન્સર્ટ માટે અપાર સંભાવનાઓ છે. જો રાજ્ય સરકારો અને ખાનગી ક્ષેત્ર મૂળભૂત માળખાંગત
સુવિધાઓ અને કૌશલ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે તો આપણી અર્થવ્યવસ્થા કોન્સર્ટ અર્થતંત્ર
દ્વારા વિકાસ પામી શકે છે. દુનિયાભરના મોટા કલાકારો ભારત તરફ આકર્ષાઈ રહ્યા છે. મોદીએ આજે ઓરિસ્સા સરકારની આર્થિક સમિટ `ઉત્કર્ષ ઓરિસ્સા-મેક ઇન ઓરિસ્સા કોન્ક્લેવ
2025'નું ઉદ્ઘાટન કર્યું હતું. આ
કોન્ક્લેવનું આયોજન 28 અને 29 જાન્યુઆરી દરમિયાન જનતા મેદાન
ખાતે કરવામાં આવ્યું છે. વડાપ્રધાને જણાવ્યું
હતું કે, પૂર્વી ભારત દેશના વિકાસનું એન્જિન છે અને ઓરિસ્સા
તેનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. જ્યારે ભારત વૈશ્વિક વિકાસમાં મોટો ફાળો આપતું હતું,
ત્યારે ભારતના પૂર્વીય ભાગનો પણ તેમાં મોટો ફાળો હતો. ઓરિસ્સા દક્ષિણ-પૂર્વ
એશિયા સાથે વેપારનું મુખ્ય કેન્દ્ર હતું. મને
કહેવામાં આવ્યું છે કે, આ ઓરિસ્સાના ઇતિહાસમાં સૌથી મોટી રોકાણકાર
પરિષદ છે. કોન્ક્લેવમાં 5થી 6 ગણા વધુ રોકાણકારો ભાગ લઈ રહ્યા છે એમ પીએમે
કહ્યું હતું. કોન્કલેવમાં પાંચ મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેમાં આઇટી, નવીનીકરણીય
ઊર્જા, કાપડ, રસાયણ અને કૂલ પ્રક્રિયાનો
સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, આ મહિનામાં પીએમ મોદીની ઓરિસ્સાની
આ બીજી મુલાકાત છે. અગાઉ નવમી જાન્યુઆરીએ, તેમણે આ જ સ્થળે પ્રવાસી
ભારતીય દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો.