ભુજ, તા. 28 : નાબાર્ડના પોટેન્શિયલ લિંકડ
ક્રેડિટ પ્લાન 2025-26નું કલેકટર કચેરી ખાતે કલેકટર
અમિત અરોરાના હસ્તે વિમોચન કરાયું હતું. નાબાર્ડના જિલ્લા વિકાસ મેનેજર નીરજકુમાર દ્વારા
માહિતી આપતાં જણાવ્યું હતું કે, પી.એલ.પી. પ્રાથમિકતા ક્ષેત્ર હેઠળ જિલ્લા માટે
રૂપિયા 18187.45 કરોડના ધિરાણનો અંદાજ લગાવાયો
છે. જમાં પાક ધિરાણ લોન માટે રૂપિયા 6268.87 કરોડ, મધ્યમ અને લાંબા ગાળાના કૃષિ ધિરાણ માટે રૂપિયા 360.64 કરોડ, એમ.એસ.એમ.ઇ.
ક્ષેત્ર માટે રૂપિયા 11782.85 કરોડની
લોન અને શિક્ષણ, આવાસ, નવીનીકરણ ઊર્જા અને સામાજિક માળખાં જેવા અન્ય પ્રાથમિકતા ધરાવતાં ક્ષેત્રો માટે રૂપિયા 775.09 કરોડનો અંદાજપત્રમાં સમાવેશ
કરાયો છે. પી.એલ.પી.ના આકલન પ્રમાણે કચ્છ જિલ્લાની બેન્કોની વાર્ષિક ઋણ યોજના કચ્છ
જિલ્લાની લીડ બેન્ક દ્વારા તૈયાર કરવામાં આવે
છે અને કચ્છ જિલ્લાની બેન્કોને ધિરાણોનો ટાર્ગેટ પૂરો પાડવાના પ્રયત્ન કરવામાં આવે
છે. બેન્ક ક્રેડિટ આર્થિક પ્રવૃત્તિઓને પુનર્જીવિત કરવામાં અને ખેડૂતો, ગ્રામજનોને, કારીગરો અને
ઉદ્યોગ સાહસિકોના આવક સ્તરને વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.આ મિટિંગમાં વલમજી
હુંબલ -અધ્યક્ષ સરહદ ડેરી, દેવરાજભાઇ ગઢવી - અધ્યક્ષ કેડીસીસી
બેન્ક, કિરણસિંહ વાઘેલા- ખેતીવાડી અધિકારી, મેઘા અગરવાલ ડિસ્ટ્રીકટ રજિસ્ટ્રાર ભુજ, મિતેશ ગામિત
-લીડ બેન્ક બીઓબીની ઉપસ્થિતિ રહી હતી.