મુંદરા, તા. 28 : જ્યાં આગની ઘટનાઓ વારંવાર બને
છે અને જ્યાં સરકારી તંત્ર પાસે અગ્નિશમન દળ, મથક કે સાધન નથી એવા મુંદરામાં આજે વહેલી સવારે લગભગ છ વાગ્યાના અરસામાં રહેણાક
વિસ્તારમાં આગની વિચિત્ર અને ભેદી વિસ્ફોટ સાથેની જીવલેણ ઘટના બની હતી, જેમાં મૂળ આંધ્રપ્રદેશના રવિકુમાર સોમેશ્વર રાવ (ઉ.વ. 41) અને તેમની પુત્રી જાનવી (ઉ.વ.
2)નું આગમાં બળી જવાથી મૃત્યુ થયું હતું, જ્યારે ગંભીર રીતે દાઝી ગયેલા તેમના પત્ની કવિતાબેનને
મુંદરામાં પ્રાથમિક સારવાર બાદ ગાંધીધામ ખસેડાયા હતા. રાંધણગેસની લાઈનમાં આખી રાત લીકેજ
થયો હતો અને સવારે ગેસ ચાલુ કરવા જતાં આ બનાવ બન્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું
હતું. મુંદરાના બારોઇ રોડ પર આવેલી સૂર્યાનગર સોસાયટીમાં લાગેલી આગથી પરોઢિયે દોડધામ
મચી ગઇ હતી. ઘટના અંગે મળેલી પ્રાથમિક વિગતો મુજબ એસી કમ્પ્રેસરમાં ગેસ લીકેજ થવાથી
વિસ્ફોટ થયો અને આગ લાગી હતી તેવું અનુમાન સેવાયું હતું. જો કે, બાદમાં એફએસએલની ટીમે હાથ ધરેલી તપાસના હેવાલમાં રાંધણગેસના બાટલાની લાઈન લીક
હતી, જેથી આખી રાત ગેસ લીક થયો હતો અને સવારે જ્યારે કવિતાબેન
દૂધ ગરમ કરવા ગેસ ચાલુ કરવા ગયા ત્યારે આગ લાગી હતી અને ધડાકો થયો હતો તેવું ડીવાયએસપી
એમ. જે. ક્રિશ્ચિયને જણાવ્યું હતું. ઘટનાની જાણ થયા બાદ અદાણી ગ્રુપનું ફાયર ફાઇટર ઘટના સ્થળે આવી ગયું હતું અને આગ બુઝાવવાની
કામગીરી હાથ ધરી હતી. અલબત્ત, આગ પર કાબૂ મેળવ્યા બાદ પણ પિતા-પુત્રીનાં
ગંભીર રીતે દાઝી જવાના કારણે મોત થયાં હતાં, જ્યારે કવિતાબેનને
પ્રાથમિક સારવાર મુંદરા ખાતે અપાયા બાદ ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલે ખસેડાયા હતા.
આ પરિવાર મૂળ આંધ્રપ્રદેશનો છે અને હતભાગી રવિકુમાર લગભગ દોઢ દાયકાથી મુંદરામાં સીએફએસનાં
કામ સાથે સંકળાયેલા હતા. સવારે થયેલો ધડાકો એટલો જોરદાર હતો કે, આસપાસના લોકો ગભરાઇ ગયા અને દોડી આવ્યા હતા. આ બનાવથી આસપાસનાં મકાનોને પણ
નુકસાન થયું હતું. આ કુરણ બનાવના પગલે લોકોનું ટોળું એકત્ર થયું હતું. દરમિયાન,
આ બનાવની તપાસ પીએસઆઈ વી.એન. ચાવડા તપાસ ચલાવી રહ્યા છે તેમ મુંદરા પોલીસે
જણાવ્યું હતું.