• ગુરુવાર, 30 જાન્યુઆરી, 2025

ફરી જીવલેણ બની અફવા : રેલવે તંત્ર સામે પણ સવાલ

આજના આધુનિક સમયમાં કોઇપણ ખબરની સત્યતા ચકાસવાનું કામ ભારે સરળ બની ગયું છે, પણ કમનસીબી એ છે કે, અફવાઓ કે અપપ્રચારનાં જોખમો દિવસો દિવસ વધી રહ્યાં છે. આવી કમનસીબીનો અનુભવ બુધવારે મહારાષ્ટ્રનાં જલગાંવમાં થયો. પરધાઇ રેલવે સ્ટેશન પર થયેલા મોટા ગમખ્વાર અકસ્માતમાં ટ્રેનના 12 ઉતારુએ રઘવાટમાં જીવ ખોયા અને બીજા 40 ઘાયલ થયા હતા. આ બનાવ માત્રને માત્ર અફવાને લીધે બન્યો હતો. બન્યું એવું હતું કે, પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગી હોવાની અફવા ચાલુ ટ્રેનમાં દાવાનળની જેમ ફેલાઇ હતી. કોઇએ હાંફળા ફાંફળા થઇને ચેન ખેંચીને ટ્રેન રોકી દેતાં ઉતારુઓ જીવ બચાવવા રેલવે લાઇન પર કૂદી પડયા હતા, પણ બાજુમાંથી પસાર થતી કર્ણાટક સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસની હડફેટે આવી ગયા હતા. આ ટ્રેનમાં કપાઇ જતાં 12 ઉતારુ માર્યા ગયા છે. સામે આવી રહેલી હકીકત મુજબ ઝડપથી દોડી રહેલી પુષ્પક એક્સપ્રેસને અચાનક રોકવા કોઇએ ચેન ખેંચી હતી.  આને લીધે ટ્રેનનાં પૈડાંમાં ધુમાડા નીકળવા લાગતાં લોકોમાં આગ લાગ્યાની અફવા ફેલાઇ  હતી. આમ, આગથી બચવા લોકોએ ટ્રેનમાંથી બહાર કૂદવાનું શરૂ કર્યું હતું, પણ તેમની માથે મોત ભમતું હોય તેમ બાજુના ટ્રેક પર યશવંતપુરથી હઝરત નિઝામુદ્દીન જતી કર્ણાટક સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ તેમના પરથી ફરી વળી હતી. આ બનાવે દેશમાં ફરી એક વખત અફવાનાં લોહિયાળ પરિણામથી સૌને હચમચાવી મૂક્યા છે. આવી અફવાને લીધે લોકોના જીવ ગયા હોવાનો આ કોઇ પ્રથમ કિસ્સો નથી. આગાઉ પણ બનાવ બની ચૂક્યા છે. ભીડમાં ભાગદોડના બનાવો મોટાભાગે અફવાને લીધે બનતા રહે છેતો કોમી હિંસાના બનાવો પણ આવી પાયા વગરની અફવાઓની દેન હોય છે. 2011માં કેરળનાં સબરીમાલા મંદિરનાં દર્શન માટે એકઠા થયેલા શ્રદ્ધાળુઓ નજીક એક જીપને અકસ્માત નડતાં અફવા ફેલાઇ અને ભારે ધક્કામુક્કી થતાં 104 જણાનાં તેમાં મોત થયાં હતાં.  આવો જ બનાવ હાથરસમાં સવા લાખ લોકોની હાજરીમાં યોજાઇ રહેલા સત્સંગમાં બન્યો હતો. વાસ્તવમાં અફવાઓ ત્યારે ભયજનક બને છે જ્યારે તેને નકારી કાઢવામાં આવે નહીં અથવા તેને નકારવા માટે પુરાવા ન હોય. આપણે સતત જોતા આવીએ છીએ કે, ધાર્મિક આયોજનોમાં આવી અફવાઓ વધુ દુ:ખદ રૂપ લે છે. ભારે ભીડનાં કારણે ભાગદોડ મચવાના અનેક કિસ્સા છે. આ માટે ક્યાંક ને ક્યાંક વ્યવસ્થાની ખામી જવાબદાર હોય છે. થોડી હિલચાલ પણ દુર્ઘટનાનું કારણ બની જાય છે. ભારે ભીડની વચ્ચે નાની અફવા પણ મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. જલગાંવમાં બનેલા બનાવમાં જો આ અફવાને ખોટી ઠેરવવાની કોઇ તાકીદની વ્યવસ્થા ઉપલબ્ધ હોત તો આ દુર્ઘટનાને ટાળી શકાઇ હોત, પણ સલામતીની ઉપર સતત ધ્યાન આપતાં રેલવે તંત્ર માટે બુધવારનો બનાવ નવા પડકાર તરીકે સામે આવ્યો છે. હવે રેલવે આવી ઘટનાને ટાળવા માટે વ્યવસ્થા પર વિચારશે એવી અપેક્ષા રાખી શકાય.  આમ તો દરેક બોગીમાં ટીટી અને રેલવે પોલીસની હાજરી હોવી જોઇએ, જે આવા સંજોગોમાં સાવચેતીનાં પગલાં લઇ શકે, પણ મોટાભાગની બોગીઓમાં આ સ્ટાફ હોતો નથી અને ઉતારુઓ ભગવાન ભરોસે પ્રવાસ કરતા હોય છે. હવે રેલવે દરેક બોગીમાં રેલવેના વધુ તાલીમબદ્ધ કર્મચારીઓની તૈનાતી ગોઠવીને ભવિષ્યમાં આવી અફવાઓને ફેલાતી રોકવાની વ્યવસ્થા કરવી જોઇએ, જેથી આવા અકસ્માતોનું પુનરાવર્તન થાય નહીં. પુષ્પક એક્સપ્રેસની બોગીઓમાં પોલીસ કે રેલવે સ્ટાફની હાજરી હોત તો મોટી સંખ્યામાં ટ્રેનમાંથી કૂદી રહેલા ઉતારુઓને રોકી શકાયા હોત. હકીકતમાં આ ઘટનાની તપાસ કરાવી દોષીઓને સજા આપવી જોઇએ. તંત્ર કડકાઇ દાખવશે તો જ આવી દુર્ઘટનાઓ પર લગામ તાણવાનું શક્ય બનશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd