• ગુરુવાર, 30 જાન્યુઆરી, 2025

ભચાઉમાં બેફામ દબાણો સામે વહીવટી તંત્ર બેશુદ્ધ

ભચાઉ, તા. 28 : ભૂકંપમાં તહશનહશ થઈ ગયેલા ભચાઉ શહેરમાંથી સિક્સલેન નેશનલ હાઈવે  અને ફોરલેન રાજ્ય ધોરીમાર્ગ પસાર થાય છે, પરંતુ બેફામ બનેલા દબાણકારોએ સબ ભૂમિ ગોપાલ કીની નીતિ અપનાવી  એક પણ જગ્યા બાકી રાખી નથી તેમજ આડેધડ વાહનોના પાર્કિંગથી  રોડ સાંકડા બની જતાં માર્ગ ઉપર અનેક જીવલેણ અકસ્માતો સર્જાય છે. તાજેતરમાં જ બે માનવજિંદગી  કાળના ખપ્પરમાં હોમાઈ ગઈ હતી. ભચાઉ શહેરની વસ્તી વધવાની સાથે વાહનો વધ્યા, ભચાઉમાં અનેક સરકારી કચેરી, કારખાના, તાલુકા મથક બનતાં છેલ્લા દાયકામાં ટ્રાફિક સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે, જેને લઇ આગ લાગે ને ફાયર  ફાઈટર દોડે તેમ ટ્રાફિક પોલીસે માર્ગો સાફ કરાવવા દોડવું પડે છે, આની પાછળ ભાડાના નિયમો મુજબ જે માર્જિન મુકાયા તેમાં  કરાયેલાં દબાણ આ પરિસ્થિતિ પાછળ જવાબદાર હોવાનું જાગૃત નાગરિકો આક્ષેપ કરી રહ્યા છે. ભાડા દ્વારા આરંભમાં જે માર્જિન રાખવામાં આવ્યું તેના  પર શરૂઆતમાં ઓટલા અને પછીથી શટરો લાગી ગયા.  બજાર દિવસે ને દિવસે સાંકડી બનતી જાય છે. સરકારી પડતર જમીનનો ક્યાંય ટુકડો બચ્યો નથી. દબાણ કરવાની હોડ જામી છે. એક વગદાર વ્યક્તિ તરીકેની ઓળખ જમીન દબાણથી થતી હોય એવો માહોલ શહેરમાં ઊભો થઈ રહ્યો છે. વિશાળ  માર્ગ ઊપર અનેક દબાણોથી ટ્રાફિકજામની સ્થિતિ ઉદ્ભવે છે. બિપોરજોય વાવાઝોડાંમાં લીંબડો પડી જતાં તે સ્થળને સાફ કરી બગીચો બનાવી  દીવાલ બનાવી દેવાઈ છે, એવા અનેક દબાણો રેલવે સ્ટેશન રોડ ઉપર આકાર પામી રહ્યાં છે. આજે ખરીદ-વેચાણ સંઘના ખેડૂતો અચાનક વાહનો સાથે ભેગા થઈ જતાં પોલીસે સખત વ્યાયામ કરીને વાહનવ્યવહાર પુર્વવત કરાવ્યો હતો. નગરમાં જાણે  કોઈ કાર્યક્ષમ અધિકારી કે વહીવટી તંત્રની અસર ઓસરી ગઈ હોય તેવો તાલ સર્જાયો હોવાનું પ્રબુદ્ધ નાગરિકો  ખેદ સાથે જણાવી રહ્યા છે.  બસ સ્ટેશન માર્ગ ઉપર અનેક વચ્ચે ઊભતા વાહનો અને ફૂટપાથ સુધીની રેખાને કારણે દબાણો  પરાકાષ્ટાએ પહોંચ્યા છે.  પૂર ઝડપે દોડતા યમદૂત સમા વાહનોની હડફેટે વૃદ્ધ અને નાની બાળકીનું આ જ માર્ગ ઉપર મોત નીપજ્યું હોવાનો બનાવ તાજો જ છે. વહીવટી તંત્ર વધતા જતા ટ્રાફિક સામે જરૂરી કાર્યવાહી કરે તે જરૂરી હોવાનું જાણકારો  જણાવી રહ્યા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd