માંડવી, તા. 28 : (પ્રતિનિધિઓ
દ્વારા) મંગળવારે માંડવી વીન્ડફાર્મ બીચ (પબ્લિક બીચ) ખાતે આવતા પ્રવાસીઓની સુવિધા
ખાતર બિનઅધિકૃત 139 જેટલા દબાણો
જેવા કે લારી, ગલ્લા, છાપરા વહીવટી તંત્ર તથા નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત રાખી હટાવવામાં આવ્યા
હતા. માંડવી બીચ ખાતે ગુજરાતભરમાંથી પ્રવાસીઓ આવતા હોઈ તેઓ બીચનો આનંદ માણી શકે અને
ધંધાર્થીઓ પણ ધંધો કરી શકે તે માટે વૈકલ્પિક
વ્યવસ્થા કરવામાં આવેલી છે. માંડવી ફ્રી પ્લાસ્ટીક ઝોન બની શકે તે માટે પણ આ દબાણ હટાવવાની
ઝુંબેશ એ પ્રથમ પગલું છે. સ્વસ્થ, સુઘડ, સુવ્યવસ્થિત માંડવી બીચ તરફ વધુ ને વધુ પ્રવાસીઓ આકર્ષાય અને માંડવીની એક વિશેષ
છાપ લઈને જાય જેના કારણે ભારતભરમાં માંડવી બીચનું પ્રવાસનક્ષેત્રે નામ બને અને વધુ
પ્રવાસીઓના આકર્ષણના કારણે માંડવી બીચના સ્થાનિકોના ધંધા-રોજગાર થકી આજીવિકા તથા સુખાકારીમાં
સુધારો થાય તેવા હેતુથી આ ઝુંબેશ કરવામાં આવી હતી. મામલતદાર વિનોદભાઈ ગોકલાણી,
પી.આઈ. બારોટ, મુખ્ય અધિકારી જિજ્ઞેશભાઈ બારોટ
તથા આ ત્રણેય એજન્સીની ટીમો દબાણ હટાવ ઝુંબેશમાં જોડાઈ હતી. માંડવી તાલુકા કોંગ્રેસ
પ્રમુખ ખેરાજ ગઢવીએ શ્રમજીવીઓ વતી અધિકારીઓને સાંજે પાંચ વાગ્યા સુધી સમય આપવા જણાવેલું,
પરંતુ અધિકારીઓએ તમામને અગાઉથી નોટિસો આપી જાણ કરેલી હોઈ મંગળવારે દબાણ
સંદર્ભે કોઈ જ ચર્ચા ન કરી ગઢવી વિગેરેને સાઈડ કરી મુકાયા હતા. શ્રી ગઢવીએ પોલીસ દ્વારા
ખસેડવામાં આવતાં ઈજાઓ થયાનું જણાવી પ્રથમ માંડવી સરકારી હોસ્પિટલમાં ગયા હતા,
જ્યાં ઓર્થોપેડિક તબીબ હાજર ન હોતાં ખાનગી હોસ્પિટલમાં એક્ષરે વિગેરે
સારવાર લઈ વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. - કોંગ્રેસનો વિરોધ : આવેદન અપાશે : દરમિયાન, દબાણ હટાવ કામગીરી સમયે પોલીસ દ્વારા માંડવી
તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને ધારાશાત્રી ખેરાજ ગઢવી પર હુમલો કરાયો હોવાનો કોંગ્રેસ
દ્વારા આરોપ લગાવાયો હતો. શ્રી ગઢવી અધિકારીઓને રજૂઆત કરવા ગયા હતા અને હુમલો કરાયો
હતો તેવું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા
મહામંત્રી રામદેવસિંહ જાડેજા, પ્રદેશ મહામંત્રી વી.કે. હુંબલ
અને રફીક મારા, ભુજ શહેર પ્રમુખ કિશોરદાન ગઢવી, જિલ્લા પ્રવક્તા ગનીભાઈ કુંભાર સહિતના
આગેવાનોએ આ બનાવને વખોડયો હતો તેવું જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા દ્વારા જણાવાયું હતું.
બીજી તરફ આ મામલે બુધવારે બપોરે 12 વાગ્યે કલેકટરને આવેદનપત્ર અપાશે તેવી પણ વિગતો અપાઈ હતી.