પોતાના જૈવિક ડીએનએમાં ભારતીયતા હોવાનો દાવો કરીને ઇન્ડોનેશિયાના
વડાપ્રધાન પ્રબોવો સુબિયાંતોએ સૈકાઓ જૂની હિન્દુ સંસ્કૃતિ અને સભ્યતાના પ્રસારની પ્રતીતિ
દેશ અને દુનિયાને કરાવી છે. આજે જ્યારે બાંગલાદેશ
અને નેપાલ જેવા પાડોશીઓ ભારત વિરોધી બખાળા કાઢી રહ્યા છે તેવા સમયે દક્ષિણ પૂર્વ એશિયાના
આ ચાવીરૂપ ટાપુ રાષ્ટ્રના વડાએ પોતાની ભારતીયતાની વાત કરીને આવકારદાયક માહોલ ખડો કર્યો
છે. પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલા સુબિયાંતોએ વડાપ્રધાન
નરેન્દ્ર મોદીની સાથે મળીને ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના બે હજાર વર્ષ જૂના સંબંધોને
વધુ ગાઢ બનાવવા સંખ્યાબંધ ચાવીરૂપ કરારો પર સહી કરી. વડાપ્રધાન મોદી અને સુબિયાંતો
વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય વાટાઘાટો દરમ્યાન બંને દેશ વચ્ચે બાંધાકામ, માળખાકીય સુવિધાઓ, ડિજિટલ
વિકાસ, સલામતી અને વ્યૂહાત્મક સહિતની બાબતોને આવરી લેતા કરાર
થયા. ખાસ તો સંરક્ષણને લગતા બાંધકામમાં ભારત ઇન્ડોનેશિયાની સાથે સહયોગ કરશે. ભારત ઇન્ડોનેશિયાને આરોગ્ય અને ખાદ્ય સલામતીને લગતી
ચાવીરૂપ માહિતી આપશે તથા બંને દેશોની ડિઝાસ્ટર રિસ્પોન્સને સંલગ્ન એજન્સીઓ સંયુક્ત
રીતે અભ્યાસ કવાયત કરશે. આ ઉપરાંત ઇન્ડોનેશિયાના
પ્રમ્બાનન હિન્દુ મંદિરના જતનમાં ભારત પોતાનો સહયોગ આપશે. બંને દેશે ફિનટેક,
આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ, ડિજિટલ ઇફ્રા જેવા વિષયો
પર સહયોગ વધારવાની સહમતી સધાઇ છે. ઇન્ડોનેશિયાના
વડાપ્રધાને પોતાનો ડીએનએ ભારતીય હોવાનો સ્વીકાર કરવા ઉપરાંત એમ પણ કહ્યંy કે, તેમના દેશમાં ઘણા લોકોના નામો સંસ્કૃતમાં છે. તેમણે એમ પણ કહ્યંy કે, ઇન્ડોનેશિયાને માન્યતા આપનાર પ્રથમ દેશોમાં ભારત સામેલ હતો. ભારતે અમારી મદદ માટે શું કર્યું એ અમે કદી નહીં
ભૂલીએ એવો નિર્ધાર પણ ઇન્ડાનેશિયાના આ વડાપ્રધાને વ્યક્ત કર્યો. સુબિયાંતોનો આ નિર્ધાર
અને મિત્રતાને મજબૂત કરવાનો ઇરાદો ભારત માટે ભારે ઉત્સાહજનક છે. ખાસ તો ચીનના વિસ્તારવાદી વલણને ધ્યાનમાં લેતા
ઇન્ડોનેશિયા ભારતની માટે વ્યૂહાત્મક રીતે ભારે મહત્ત્વ ધરાવે છે. ઉલ્લેખનીય એ પણ છે
કે, ભારતે સંરક્ષણ સરંજામ ક્ષેત્રે મેક ઇન ઇન્ડિયાના વિચારને
મૂતિમંત કરવાની શરૂઆત કરી છે. આ સંદર્ભમાં
ભારત દ્વારા ઉત્પાદિત બ્રહ્મોસ મિસાઇલ સિસ્ટમ ખરીદવામાં ઇન્ડોનેશિયાને ભારે રસ છે. આ માટે સંમતિ પણ સધાઇ ચૂકી છે. હિન્દ અને પેસેફિક મહાસાગરના વિસ્તારમાં ચીનના પ્રભાવની
સામે ભારત પોતાના પાડોશી દેશોની સાથે સંબંધ સુધરવા સતત ધ્યાન આપી રહ્યો છે. આવામાં
ઇન્ડોનેશિયાના સબાંગ બંદરના વિકાસથી ભારતને દક્ષિણ અને પૂર્વ એશિયામાં દરિયાઇ વેપાર
વ્યવહાર વધારવામાં નવી તક મળી શકે છે. ભારતે
ઇન્ડોનેશિયા અને તેના વડાપ્રધાનના હકારાત્મક મૈત્રીભર્યાં વલણની મદદથી સંબંધોને વધુ
ગાઢ બનાવીને પરસ્પર ફાયદાકારક વ્યવસ્થા ઊભી કરવામાં હવે વધુ સક્રિય રીતે આગળ વધવાની
જરૂરત ખરા અર્થમાં વ્યૂહાત્મક, વેપાર અને સાંસ્કૃતિક સંબંધોને
નવી ઊંચાઇએ પહોંચાડી શકશે.