• ગુરુવાર, 30 જાન્યુઆરી, 2025

માઘ માસે જળાશયોમાં આકાશી ગંગાનો પ્રભાવ હોવાનું જણાવાયું

નિરોણા (પાવરપટ્ટી), તા. 28 : મહેશ્વરી (મેઘવાળ) સમાજમાં હાલ ચાલી રહેલા માઘ સ્નાન વ્રત દરમ્યાન જિલ્લાભરમાં ઠેરઠેર માતંગશાત્ર જ્ઞાન કંથન સાથે ઠાઠનાં આયોજન થઇ રહ્યાં છે. સુમરાસર શેખ ખાતે સાત વ્રતધારી માઘ સ્નાનમાં જોડાયા પછી ત્યાં માતંગશાત્ર જ્ઞાન કંથનનું આયોજન કરવામાં આવ્યું હતું. માઘ સ્નાનની કઠોર તપસ્યા ચાલી રહી છે. કચ્છ અને કચ્છ બહાર જ્યાં જ્યાં આ સમાજના અનુયાયીઓઁ વસે છે ત્યાં અનેક અનુયાયીઓ વ્રતમાં જોડાયા છે. સુમરાસર-શેખમાં ધર્મગુરુ નવીનભાઇ  માતંગના હરમૈશ્વરપદે અને નવીન દેવજી મહેશ્વરીના મુખીપણા હેઠળ સાત વ્રતધારી માઘ સ્નાનના વ્રતમાં જોડાયા છે.  સમાજવાડી ખાતે માતંગશાત્ર અને ધૂપ (ઠાઠ)નું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મુખ્ય વક્તા તરીકે આદિપુરના માતંગ ભીમ ડાડા મતિયાએ માઘ સ્નાનનો મહિમા વેદો સાથે સમજાવતાં કહ્યું હતું કે, પોષ મહિનાના 15 દિવસ અને મહા માસના 15 દિવસ ધરતી પર તમામ જળાશયોમાં આકાશી ગંગાનું અવતરણ થાય છે. ગુરુપદનું નીમ લઇ શાત્રોક્ત રીતે તેમાં સ્નાન કરવાથથી પુણ્ય પ્રાપ્ત થાય છે. તેમણે માતંગશાત્ર, મામૈદેવની અગમ-નિગમની આગમવાણી, ધર્માચાર શબ્દસારી ઉપર છણાવટ કરી હતી. આ પ્રસંગે ગામના સરપંચ રણછોડભાઇ આહીર, પત્રકાર બાબુભાઇ માતંગ, ધર્મગુરુ ભીમ ડાડા માતંગ, ગામગોર નવીનભાઇ માતંગ, અનિલભાઇ મારાજ વગેરેનું વ્રતધારી માઘસ્નાનીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. લોરિયા, નિરોણા, ઝુરા, પાલનપુર સહિતનાં ગામોમાંથી પણ મહેશ્વરી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુમરાસર મહેશ્વરી સમાજના અગ્રણીઓએ સહયોગ આપ્યો હતો. સંચાલન રાહુલ મહેશ્વરીએ કર્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd