વોશિંગ્ટન, તા. 28 : ભારત સાથે દોસ્તીની વાતો કરતા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે ફરી એકવાર ટેરિફને લઈને ભારત સહિતના દેશોની
ધમકી આપી દીધી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, જે દેશો અમેરિકાને નુક્સાન પહોંચાડશે તેના પર સરકાર દરો લાદશે. ટ્રમ્પે કહ્યું
હતું કે, ભારત, ચીન અને બ્રાઝિલનાં નામોલ્લેખ
સાથે કહ્યું હતું કે, આ દેશો અમેરિકા પર સૌથી વધુ ટેરિફ લગાવે
છે. ફ્લોરિડામાં રિપબ્લિકન પાર્ટીના એક કાર્યક્રમમાં અમેરિકી રાષ્ટ્રપતિએ જણાવ્યું
હતું કે, જે દેશો અમને નુક્સાન પહોંચાડે છે તેમના પર અમે ટેરિફ
લાદવા જઈ રહ્યા છીએ. જો કે આ દેશો પોતાના માટે
સારું કરવાની કોશિશ કરી રહ્યા છે પણ તેમાં તો નુક્સાન જ જઈ રહ્યું છે. ટ્રમ્પે કહ્યું
હતું કે, ચીન બહુ મોટાપાયે દરો લાદે છે. આ સૂચિમાં ભારત,
બ્રાઝિલ તેમજ અન્ય કેટલાક દેશો છે. અમને જે દેશ નુક્સાન પહોંચાડશે તેમના
પર અમે ટેરિફ લગાવશું. હવે અમે આ ચલાવશું નહીં કારણ કે હવે અમેરિકા પ્રથમની નીતિ અપનાવી
રહ્યા છીએ. તેમણે જણાવ્યું હતું કે, અન્ય દેશોને સમૃદ્ધ બનાવવા
માટે અમેરિકી નાગરિકો પર કર લાદવાને બદલે અમે આપણા લોકોને સમૃદ્ધ બનાવવા માટે વિદેશી
દેશો પર વેરા લગાવશું. ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોન
પર વાતચીત કરી છે અને ફેબ્રુઆરીમાં બંને દેશના નેતાઓ વચ્ચે મુલાકાત થવાની છે એવા સમયે જ ટ્રમ્પનું આ નિવેદન
આવ્યું છે.