શાંત અને સૌમ્ય ચહેરાની પાછળ જાડી ચામડીના રાજકારણીની માનસિકતા
ધરાવતા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ તમામ રાજકીય પેંતરા અજમાવ્યા બાદ આખરે હોદ્દો
છોડયો છે. સોમવારે તેમણે કેનેડાની સત્તાધારી લિબરલ પાર્ટીના નેતાપદ અને વડાપ્રધાનપદ
બંને હોદ્દા પર રાજીનામાની જાહેરાત કરીને પોતાના દેશમાં અને ભારત જેવા સંખ્યાબંધ અન્ય
દેશોમાં રાહતની લાગણી જગાવી છે. છેલ્લા થોડા મહિનાથી સત્તામાં ટકી રહેવા તમામ પ્રકારના
પ્રયાસ કરી રહેલા ટ્રુડો પોતે નીતિવિષયક મુદ્દા પર અસ્પષ્ટ અને મૂંઝાયેલા જણાતા હતા.
આ મુદ્દાનો સામનો કરવામાં નબળાઇ સતત છતી થતાં તેમની પાસે રાજકીય વિકલ્પો સતત ઘટતા જતા
હતા. એક તરફ તેઓ ઘરઆંગણે તેમના નેતૃત્વની સામેના
અસંતોષ, મોંઘવારી અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાનો કોઇ ઉકેલ શોધી શક્યા ન હતા, તો બીજી
તરફ વિદેશનીતિના સંબંધમાં તેમનાં વલણથી સંખ્યાબંધ વર્તુળોમાં આંચકાજનક પ્રતિક્રિયા
આવવા લાગી હતી. નવ વર્ષ સુધી કેનેડાના વડાપ્રધાનપદે રહેલા ટ્રુડો છેલ્લા કેટલાક સમયથી
સતત નિષ્ફળતાનો સામનો કરી રહ્યા હતા. સત્તામાં
ટકી રહેવા તેમણે શીખ અલગતાવાદીઓને રાજી રાખવા ભારતવિરોધી વલણ લઇને ભારે ચકચાર જગાવી
હતી. જાડી ચામડીના રાજકારણીની બરોબરી કરે એવા ટ્રુડોના ભારતવિરોધી વલણની આકરી ટીકા
થઇ રહી હતી. શીખ અલગતાવાદીઓની હત્યાના કેસમાં ભારતીય અધિકારીઓ સામે બેફામ આરોપ મુક્યા
બાદ ટ્રુડોએ કેનેડામાં અભ્યાસ માટે આવતા ભારતીય વિદ્યાર્થીઓની સામે નિયમોને ભારે કડક
કરી નાખીને તેમની સામે પણ અંતરાય ઊભો કરવો શરૂ કરી દીધો છે. સામા પક્ષે કેનેડામાં ઘરઆંગણે પણ સ્થિતિ સતત વણસી
રહી હતી. અર્થતંત્ર સતત નબળું પડી રહ્યંy છે અને મોંઘવારી કાબૂ બહાર છે. સાથોસાથ ભ્રષ્ટાચાર જેવા મુદ્દા પર અસ્પષ્ટ વલણને
લીધે સરકારની સામે રોષ વધી રહ્યો છે. હાલત એવી છે કે, પહેલી વખત ટ્રુડો જ્યારે વડાપ્રધાન
બન્યા ત્યારે તેમની લોકપ્રિયતા 63 ટકા હતી, જે હવે ઘટીને માત્ર 28 ટકા જ રહી ગઇ છે. તેમના પોતાના પક્ષના 20 સાંસદે તેમની વિરુદ્ધ મોરચો
ખોલ્યો હતો, તો સરકારમાં સામેલ અન્ય પક્ષોએ તેમનાથી અંતર વધારી નાખ્યું હતું. હવે કેનેડાની
શાસનધૂરા કોના હાથમાં સોંપાય છે, તેના પર સૌની નજર છે. આમાં ભારતીય મૂળના મહિલા અનીતા
આનંદનું નામ પણ સામેલ છે. જો કે, નવા વડાપ્રધાનના વડપણ હેઠળની સરકારની સામે અમેરિકાના
નવનિયુક્ત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આક્રમક વલણનો સામનો કરવાનો પડકાર ઊભો રહેશે.
ટ્રુડોનાં વલણને લીધે કેનેડાના ભારત સાથેના રાજદ્વારી સંબંધો તળીયે બેસી ગયા છે. હવે
તેમના રાજીનામાંથી સંબંધ ફરી પાટે ચડે એવી આશા જાગી છે, પણ કેનેડામાં સત્તાના નવાં
સમીકરણમાં શીખ અલગતાવાદીઓની કેવી ભૂમિકા રહેશે, તેના પર બધો આધાર રહેશે. દ્વિપક્ષીય સંબંધોના મામલે કેનેડાએ ભારતની સાથોસાથ
અમેરિકાના સંબંધો પર ત્વરિત ધ્યાન આપવાની જરૂરત રહેશે.