નખત્રાણા, તા. 9 : પશ્ચિમ કચ્છના સૌથી વધુ વસતી ધરાવતા નખત્રાણામાં
ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની છે, ત્યારે આજે પોલીસ એક્શન મોડમાં આવતાં ટ્રાફિક નિયમન
ભંગ કરનારાઓમાં ફફડાટ?વ્યાપ્યો હતો. ઉપરાંત મહિલા પોલીસની `શી' ટીમે પણ શાળા અને અપડાઉન કરતી છાત્રાઓની
બસમાં ચડીને રૂબરૂ મુલાકાત લઇ તેઓ સાથે કોઇપણ જાતની પજવણી થતી હોય, તો `શી' ટીમ તેમની સાથે હોવાની હૂંફ આપી હતી.
આજે દિવસ દરમ્યાન પી.આઇ. એ.એમ. મકવાણાના માર્ગદર્શન અને સૂચનાથી જાહેર રસ્તા ઉપર અવરજવરને
અડચણરૂપ પાર્કિંગ કરાયેલા નાના-મોટા વાહનો, ચાલુ વાહને કાન ઉપર મોબાઇલ રાખી વાતચીત
કરતા વાહનચાલકો તેમજ દ્વિચક્રી વાહન પર ત્રિપલ સવારીથી આવતા-જતા વાહનો તથા ગ્રામ્ય
વિસ્તારમાંથી અભ્યાસ અર્થે એસ.ટી. બસમાં અવરજવર કરતા છાત્રોને કોઇ લુખ્ખા, અસામાજિક,
રોમિયો તત્ત્વો દ્વારા કોઇ કનડગત થતી હોય તો તેનું પોલીસતંત્ર દ્વારા સંગીન ચેકિંગ
કરવામાં આવ્યું હતું, જેમાં નિયમ ભંગ કરનારા ગુનેગારોના પોલીસકર્મીઓએ ફોટા લઇ ઓનલાઇન
દંડ કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસતંત્રની આ સખત કાર્યવાહીથી ગેરવર્તન
કરનારાઓમાં ફફડાટ ફેલાયો હતો. બીજીતરફ બસ સ્ટેશને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતી વિદ્યાર્થિનીઓની
પોલીસતંત્રની મહિલા પોલીસ દ્વારા પૂછપરછ?કરવામાં આવી હતી. શાળાઓના સમય દરમ્યાન બસ સ્ટેશન
પર આવતી-જતી બસોમાં મુસાફરી કરતા છાત્રોના પથ?પર પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરીને મોટીવેટ
કરીને તેમની મૂંઝવણના પ્રશ્ને, કોઇ?રોમિયોગીરી કરતા તત્ત્વો દ્વારા કરાતી હેરાનગતિ
અંગે પ્રશ્નો પૂછાયા હતા. આવા અસામાજિક તત્ત્વો દ્વારા થતી હેરાનગતિ સામે સખત કાર્યવાહી
કરવા પોલીસે પર્સનલ મો.નં. આપી 100-181 (મહિલા અભયમ હેલ્પલાઇન), 1091 વિગેરે નંબરની
જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત આગામી ઉત્તરાયણ તહેવાર ટાંકણે ચાઇનીઝ દોરી, પતંગ
ચગાવવા સમયે પક્ષીઓનાં થતાં મોત નિવારવા ઘાતક દોરીનો ઉપયોગ ન કરવા તથા લાઇટવાળા તુક્કલોથી
આગજનીની ઘટના નિવારવા એવા સાધનોનો ઉપયોગ ન કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. પ્રતિબંધિત
ચાઇનીઝ દોરી તથા લાઇટવાળા તુક્કલોના વેચાણ બંધ કરાવવા દુકાનોની તલાશી સહિતની કાર્યવાહી
પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી હતી. પી.આઇ. શ્રી મકવાણાએ ટ્રાફિક સમસ્યા નિવારવા,
અસામાજિક પ્રવૃત્તિ નિવારવા માટે પોલીસ તંત્રને સહયોગ કરવા અપીલ કરી હતી. આજની ટ્રાફિક
ઝુંબેશ તથા સમગ્ર કાર્યવાહીમાં વિષ્ણુ માજીરાના, કેશર દેશાહ સહિત પોલીસકર્મી ટુકડીએ
ઝુંબેશ ચલાવી હતી.