• ગુરુવાર, 09 જાન્યુઆરી, 2025

સાવધાન ! નક્સલવાદનો પડકાર હજી ગંભીર

નક્સલવાદ પરાસ્ત થઇ રહ્યો હોવાનાં રાહતભર્યાં તારણો વધુ એક વખત લોહિયાળ રીતે ખોટાં ઠર્યાં છે. પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, ઝારખંડ, તેલંગાણા, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં નક્સલવાદનાં વળતાં પાણી હોવાનું અનુભવાઇ રહ્યંy છે, પણ છત્તીસગઢમાં નક્સલવાદીઓ હજી સક્રિય અને મજબૂત હોવાની પ્રતીતિ સોમવારે બીજાપુર નજીક સલામતી દળોનાં વાહનને ઊડાવી દેવાના બનાવે કરાવી છે. નક્સલવાદ વિરોધી ઓપરેશનમાંથી પરત ફરી રહેલાં ડિસ્ટ્રીક્ટ રિઝર્વ ગાર્ડનાં વાહનને નિશાન બનવાતાં નવ જવાન શહીદ થયા હતા.  બનાવે છત્તીસગઢમાં નક્સલવાદના ખાતમા માટે વધુ સચોટ કાર્યવાહી અને ખાસ તો સલામતી દળોના કાફલા માટે વધુ ચુસ્ત સલામતી વ્યવસ્થાની જરૂરત છતી કરી છે. છેલ્લાં બે વર્ષના આ સૌથી ગંભીર હુમલા દ્વારા નક્સલવાદીઓએ તેમના લોહિયાળ ઇરાદા વધુ એક વખત છતા કરીને સરકારી દળોની સામે ગંભીર પડકાર ખડો કર્યો છે. આમ તો કેન્દ્રીય ગૃહમંત્રાલયે આવતાં વર્ષ સુધી નક્સલવાદના સફાયાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.  આમાં જો કે, છત્તીસગઢ મોટો અંતરાય બની રહ્યો છે.  નક્સલવાદીઓએ તેમની સામે ઓપરેશન ચલાવી રહેલાં સલામતી દળોના કાફલાનાં વાહનને આઇઇડીથી ઊડાવી દઇને વળતી કાર્યવાહી કરી હતી. આ હુમલાએ બતાવી આપ્યું છે કે, નક્સલવાદીઓ પાસે આધુનિક શસ્ત્રો અને દારૂગોળાનો સારો એવો જથ્થો છે.  આવા સંજોગોમાં ભારે સલામતી વ્યવસ્થા હોવા છતાં આ વિસ્તારમાં શસ્ત્રો અને દારૂગોળો કરી રીતે પહોંચે છે, તે સમજી શકાય નહીં એવી બાબત છે.  છત્તીસગઢના આ વિસ્તારમાં ગાઢ જંગલ છે અને નક્સલવાદીઓ જંગલોમાં છૂપાઇને હુમલા કરવા પાવરધા છે.  સામા પક્ષે સલામતી દળો પણ હવે આધુનિક રીતે સજ્જ બન્યા છે.  શસ્ત્રોની સાથોસાથ હેલિકોપ્ટર કે ડ્રોનની મદદથી તેઓ નક્સલવાદીઓની હિલચાલ પર નજર રાખી શકે છે, પણ સોમવારે થયેલો હુમલો આ વ્યવસ્થાનો ઉપયોગ ન થયાની ગંભીર ત્રૂટી છતી કરે તેવો છે. ખરેખર તો નક્સલવાદના સફાયા માટે સરકારે જમીન પરના ઓપરેશનની સાથોસાથ તેમને મળતી શસ્ત્રો અને નાણાંકીય મદદને રોકવા માટે કાર્યવાહી હાથ ધરવા પર ધ્યાન આપવાની જરૂરત છે, તેની સાથોસાથ સ્થાનિક લોકોમાં વિશ્વાસ જીતીને તેમના માધ્યમથી નક્સલવાદીઓ વિરુદ્ધની બાતમી મળે તેવા નેટવર્કને વિકસાવવા પર સતત ધ્યાન અપાવું જોઇએ. સલામતી દળોની કોઇપણ કાર્યવાહી ગુપ્તચર માહિતી વગર અસરકારક બની શકે નહીં તે બાબત ધ્યાને લઇને આ ઉણપ દૂર થવી જોઇએ.  એક તરફ નક્સવાદીઓ નબળા પડી રહ્યા છે, ત્યારે તેમની ઉપર મંત્રણાની મેજ પર આવવાનું મનોવૈજ્ઞાનિક દબાણ ખડું કરવાની જરૂરત છે. આ ઉપરાંત સ્થાનિક યુવાનોને રોજગારીની તકો અન વિકાસની નવી યોજનાઓથી તેમને મુખ્યધારામાં લાવવામાં આવે, તો સલામતી દળોના ઓપરેશન સાથે આ શાંતિપૂર્ણ પગલાં પૂરક બની શકે તેમ છે. આમ થશે તો જ આવતા વર્ષ સુધી દેશમાંથી નક્સલવાદને સમાપ્ત કરવાનો સરકારનો ઇરાદો સફળ થઇ શકશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd