એક વધુ ટેસ્ટ મૅચ અને શ્રેણી હાર્યા પછી ભારત `વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ'ની ફાઈનલમાંથી
બહાર ફેંકાઈ ગયું છે. જોકે, અૉસ્ટ્રેલિયા વિરુદ્ધ બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીમાં ભારતની
1-3થી હારની ખૂબ ચર્ચા છે. ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમ વેળા ચાલુ શ્રેણીમાં કોઈ
કૅપ્ટન પોતાની ટીમથી બહાર થયો, જ્યારે બીજી બાજુ કહેવા માટે 11 ખેલાડીઓની ટીમ, પણ એક
બૉલરના ભરોસે રહ્યા જેના ઇજાગ્રસ્ત થવાથી ટીમનું મૅચમાં ટકી રહેવાનું મુશ્કેલ બની ગયું
હતું. આખી શ્રેણી અને છેલ્લી મૅચમાં સૌથી અધિક ચર્ચામાં કૅપ્ટન રોહિત શર્મા અને કોચ
ગૌતમ ગંભીર રહ્યા. આ ઉપરાંત સ્ટાર ખેલાડી વિરાટ કોહલી પણ નિશાન પર રહ્યા. માનવામાં
આવી રહ્યું છે કે અૉસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન ટીમ ઇન્ડિયાના `ડ્રેસિંગ રૂમ'માં બધું આલબેલ નહોતું, જેની
પુષ્ટિ એ વાતથી થાય છે કે કોચ ગૌતમ ગંભીરે પત્રકારો સાથેની વાતચીતમાં `ડ્રેસિંગ રૂમ'ની વાતો બહાર નહીં આવ્યાનું
જણાવ્યું છે. ગૌતમ ગંભીર પોતાના મિજાજ માટે અલગ ઓળખ ધરાવે છે. ટીમ ઇન્ડિયા પર્થમાં
પ્રથમ ટેસ્ટ જીતી શકી કારણ કે એ મૅચમાં અનેક ખેલાડીઓએ ઉમદા દેખાવ કર્યો. નિયમિત કૅપ્ટન
રોહિત શર્મા આ ટીમનો હિસ્સો નહોતા. બીજી ટેસ્ટમાં તેઓ આવ્યા તેમણે ટીમનું સંયોજન બગાડી
નાખ્યું ઉપરાંત તેમના નિષ્ફળ દેખાવે યુવા ખેલાડીઓનાં મનોબળ પર પણ ખરાબ અસર કરી. કદાચ,
આ માટે જ ડ્રેસિંગ રૂમમાંથી ખેલાડીઓ વચ્ચે બોલાચાલીની ખબર આવી. રોહિત શર્મા છેલ્લી
ટેસ્ટમાં નહોતા, પણ ત્યારે ખૂબ મોડું થઈ ચૂક્યું
હતું. ભારતીય ટીમના કૅપ્ટન રોહિત શર્મા આકરા મિજાજ માટે જાણીતા છે, તેમની રમવાની
અને ટીમને સાથે લઈ ચાલવાની પોતાની રીત છે. આવામાં ટકરાવની સંભાવનાનો ઈનકાર ન કરી શકાય.
હવે આવશ્યક એ છે કે થઈ રહેલી ચર્ચાથી અંદરખાને થતી વાતો પર ગંભીરતાપૂર્વક ધ્યાન આપવામાં
આવે. ફક્ત જીતની ખુશી અને હારનો ગુસ્સો દાખવવાથી કંઈ સાર્થક નથી થવાનું. ટીમ મૅનેજમેન્ટ
હોય કે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ, વાસ્તવિક્તાને નજીકથી ઓળખવી પડશે. જો ખેલાડીઓને
ઘરેલુ ક્રિકેટ રમવાની આવશ્યક્તા છે તો તેના માટે આકરા નિયમો બનાવવા પડશે. ફક્ત ટી-20
મૅચોના સહારે બાકીના `િક્રકેટ ફોર્મેટ'માં
સફળતાની આશા ન રાખી શકાય. ભારતમાં આઈપીએલના પગલે ખેલાડીઓમાં ટી-20 પ્રતિ આકર્ષણ વધ્યું
છે, પરંતુ ક્રિકેટ ફક્ત ટેક્નિકની દૃષ્ટિએ નહીં, પોતાના મુકાબલાઓનું સ્વરૂપ પણ બદલી
રહી છે, જે જોતાં દરેક પ્રકારની સ્પર્ધાઓમાં જીતનારી ટીમ તૈયાર કરવી પડશે. સંભવ છે
કે આના માટે અલગ અલગ ખેલાડીઓ હશે, પરંતુ પરસ્પર ખટપટ બંધ કરીને તેઓ રમત પ્રતિ સજાગ
રહેશે ત્યારે જ સફળતાની આશા રાખી શકાય. અન્યથા હાર પર એકબીજા પર દોષનો ટોપલો ઢોળવાથી
લાઈમલાઈટમાં રહી શકાય છે પણ એકંદરે તેનાથી ભારતીય ક્રિકેટને ફાયદો નહીં પણ નુકસાન છે.