કેરા (તા. ભુજ), તા. 9 : કચ્છને
સુપર સ્પેશિયલ સેવામાં આત્મનિર્ભર બનાવનાર કચ્છી લેવા પટેલ સમાજ સંચાલિત કે.કે. પટેલ
સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલને કેરા ગામના નૈરોબી સ્થિત દાતા દ્વારા 11 લાખ રૂપિયાની
સેવા અર્પણ કરાઈ હતી. મૂળ કેરા ગામના રવજી રાધેશ્યામ ટ્રાન્સપોર્ટ -નૈરોબીવાળા લાલજીભાઈ
કરશન કેરાઈ, ધ.પ. તેજબાઈ, પૂત્ર રવજીભાઈ, પુત્રવધૂ શાંતાબેન, પૌત્ર ધીરેન, પૌત્રવધૂ
અંજલિ સમગ્ર પરિવારે સમાજની આરોગ્યસેવાની મુલાકાત બાદ ગરીબોની મદદ અને સુવિધાઓથી પ્રભાવિત
થઈ રૂપિયા 11 લાખ રૂપિયા દાન આપ્યાં હતાં. દાતા વતી અગ્રણી નવીનભાઇ પાંચાણી, ભુજ સમાજના
ટ્રસ્ટી રવજીભાઈ કેરાઈ, શૈલેશ ભુવા ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટ વતી અધ્યક્ષ ગોપાલભાઈ
ગોરસિયા, શ્રેયાન ટ્રસ્ટી કેસરાભાઈ પિંડોરિયા, વસંત પટેલે હોસ્પિટલની સેવાઓની વિગત
આપી હતી. ટ્રસ્ટે પાંચ લાખનું દાન આપનાર દાતાને ડોનરકાર્ડ આપવાની નીતિ બનાવી છે જેના
કારણે દાતાઓ માટે સુવિધાઓમાં અગ્રતા અપાઈ રહી છે. અધ્યક્ષ શ્રી ગોરસિયાએ પાંચ લાખ દાન
આપનાર દાતાઓ માટે માહિતી આપી હતી કે સમાજના મુખ્ય કાર્યાલયમાંથી દાતાકાર્ડ મેળવી લેવાના
રહેશે જે પાંચ લાખ સુધીના દાતાઓના પરિવારના સભ્યોને પણ અપાશે. ગરીબો માટે સમાજની સેવાભાવનાને
બિરદાવતાં બિનનિવાસી સમુદાયે ગૌરવ વ્યક્ત કર્યું હતું.