અમદાવાદ, તા. 9 (અમારા પ્રતિનિધિ તરફથી) : સમગ્ર દેશમાં કેટલાક
સમયથી બાળકોમાં સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનનો વ્યાપ વધી રહ્યો છે, જેના કારણે બાળકોમાં વાંચનશક્તિ અને રમતગમતનો વ્યાપ
પણ ઘટી રહ્યો છે, જેની ચિંતા કરીને રાજ્ય શિક્ષણમંત્રી
પ્રફુલ્લ પાનસેરિયાએ સ્વર્ણિમ સંકુલ-2 ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના
અધિક મુખ્ય સચિવ સુનયના તોમર સહિતના ઉચ્ચ અધિકારીઓ
સાથે આજે બાળકોને સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી બાળકોને કઈ રીતે દૂર
રાખી શકાય તે અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું
હતું કે, બાળકો - વાલીઓ અને શિક્ષકો માટે ચિલ્ડ્રન
યુનિવર્સિટી અને ટીચર યુનિવર્સિટી તેમજ સિવિલ હોસ્પિટલના મનોચિકિત્સકની સાથે પરામર્શ
કરીને એક પરિપત્ર બહાર પાડવામાં આવશે અને બાળકોના ભવિષ્યની ચિંતા કરીને એક અભિયાન સ્વરૂપે
શરૂ કરવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું કે, બાળકોનો સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનનો વધુ
ઉપયોગ તેમની શારીરિક અને માનસિક શક્તિને અસર કરી રહ્યો છે, બાળકો મોબાઈલનો ઉપયોગ ઓછો
કરે અને રમતગમત પ્રત્યે વધુ ધ્યાન આપે તે માટે વાલીઓ તેમજ શિક્ષકો માટે નિયમ બનાવાશે,
જેમાં શિક્ષકોને ક્લાસરૂમમાં મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ અને પ્રાથમિક શાળાના બાળકો
મોબાઈલ લઈને શાળામાં ન આવે તે માટેના કડક પગલાં લેવામાં આવશે. મંત્રીએ ઉમેર્યું કે,
બાળકોના સોશિયલ મીડિયા સ્માર્ટ ફોનના ઉપયોગને બદલે તેમને વાંચન, રમતગમત જેવી પ્રવૃત્તિઓમાં
જોડાયેલા રહે તે માટે શાળાઓના શિક્ષકોને માહિતગાર
કરવામાં આવશે, સાથોસાથ મંત્રીએ બાળકોના માતા-પિતાને વિનંતી કરી હતી કે, બાળકોની સામે પોતે સોશિયલ મીડિયાનો
ઉપયોગ ન કરે, માતા-પિતા પોતે પોતાના બાળકના ભવિષ્યની ચિંતા કરીને સોશિયલ મીડિયાથી બાળકને
દૂર રાખે. તેમણે એન.જી.ઓ., ધાર્મિક સંસ્થાઓ તેમજ સામાજિક કાર્યકરો તેમજ મીડિયાના મિત્રોને
બાળકોને સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનથી દૂર રહે તે માટેના મહાભિયાનમાં જોડાવા વિનંતી
કરી હતી.