નલિયા (તા. અબડાસા), તા. 9 : અહીં તાલુકા પંચાયત ખાતે તાલુકા
પ્રમુખ મહાવિરસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલી સામાન્ય સભામાં 30 કરોડ
13,98,000 પુરાંતવાળું બજેટ બહુમતીથી પસાર કરાયું હતું. આ વિકાસ કામોની ફાળવણીમાં લાગવગ,
પતરાંના શેડને અગ્રતા અને ગામોને ગ્રાન્ટ ફાળવવામાં આવતી ન હોવાના તથા ભેદભાવ સહિતના
આક્ષેપ વાયોર તા.પં.ના સદસ્ય મહાવિરસિંહ રમુભા જાડેજાએ કર્યો હતો. વાયોર મતવિસ્તારનાં
વિકાસ કામોમાં હલકી કક્ષાનું કામ થયું હોવાનું લોકો કહી રહ્યા હોવાનું તેમજ વિવિધ કક્ષાએ
હિસ્સો ઉઘરાવી ભ્રષ્ટાચાર કરાયો હોવાની ફરિયાદ સાથે તપાસ અંગે તેમના દ્વારા રજૂઆત કરાઇ
હતી. આ બેઠકમાં તા.પં.ના સદસ્યો તથા જિ.પં.ના સદસ્યો તેમજ તા.પ્ર. મહાવિરસિંહ જાડેજા,
ઇન્ચાર્જ ટીડીઓ દીક્ષિત ઠક્કર, વિસ્તરણ અધિકારી, ભાણજીભાઇ સોઢા, હિસાબ અધિકારી નીલમબેન
સોની, નાયબ ટીડીઓ અર્જુનભાઇ દેસાઇ, તાલુકા ઉપપ્રમુખ રમીલાબેન ભાનુશાલી, જિ.પં. સદસ્ય
ભાવનાબા સુરેશસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા, પરસોત્તમભાઇ મારવાડા તથા ચૂંટાયેલા સદસ્યો
ઉપસ્થિત રહ્યા હતા.