વડોદરા, તા. 9: અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી અને ટી-20 ફોર્મેટના
મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીએ આજે વિજય હઝારે વન ડે ટૂર્નામેન્ટના પ્રી. ક્વાર્ટર
ફાઇનલ મેચમાં શાનદાર દેખાવ કર્યો છે. શમીએ ફોર્મની સાથે ફિટનેસ પણ સાબિત કરી હતી. તેણે
3 વિકેટ લીધી હતી. જયારે ચક્રવર્તીએ પ વિકેટ ઝડપી હતી. જો કે બન્નેના સારા દેખાવ છતાં
તેમની ટીમ બંગાળ અને તામિલનાડુનો પરાજય થયો હતો. હરિયાણા અને રાજસ્થાન ટીમ જીત સાથે
ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. ટીમ ઇન્ડિયામાં વાપસી માટે મોહમ્મદ શમી પૂરા પ્રયાસ કરી
રહ્યો છે. આજે તેણે હરિયાણા સામેના વિજય હઝારે ટ્રોફીના મેચમાં બંગાળ તરફથી રમતા
10 ઓવરમાં 61 રનનો ખર્ચ કરી 3 વિકેટ ઝડપી હતી. શમી ચેમ્પિયન્સ ટ્રોફી અને એ પહેલા રમાનાર
ઇંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણીથી ટીમ ઇન્ડિયામાં વાપસી કરી શકે છે. હરિયાણાના 9 વિકેટે
298 રન થયા હતા. જવાબમાં બંગાળ ટીમ 226 રને ઓલઆઉટ થઇ હતી. આથી હરિયાણાની 72 રને જીત
થઇ હતી. બીજા પ્રી. ક્વાર્ટર મેચમાં તામિલનાડુના સ્પિનર વરુણ ચક્રવર્તીએ રાજસ્થાન સામે
9 ઓવરમાં પ2 રનમાં પ વિકેટ ઝડપી હતી. તેણે 6 મેચમાં 18 વિકેટ લીધી છે અને ભારતની વન
ડે ટીમના દ્રાર ખખડાવ્યા છે. તે 33 વર્ષે વન ડે ફોર્મેટમાં પદાર્પણ કરી શકે છે. આ મેચમાં
રાજસ્થાનના 267 રન સામે તામિલનાડુ ટીમ 248 રને ઓલઆઉટ થઇ હતી. 19 રનની જીત સાથે રાજસ્થાન
ટીમ અંતિમ આઠમાં પહોંચી છે.