ગિરીશ જોશી દ્વારા : ભુજ, તા. 9 : વિકાસના નામે
કચ્છમાં એકબાજુ આડેધડ રીતે પવનચક્કીઓ લાગી રહી છે. પર્યાવરણ-કચ્છની વન્યસંપદાને અત્યાર
સુધી હાનિ પહોંચતી હોવાની ગામેગામમાંથી ફરિયાદો આવતી હતી, પરંતુ હવે એક મોટો ગંભીર
વિષય સામે આવ્યો છે. કેમ કે, વિપુલ માત્રામાં ખનિજ સંપત્તિથી ધરબાયેલા આ જિલ્લાના ખનિજ
વિસ્તારવાળી જગ્યાઓ ઉપર પણ મહાકાય પાંખડાં
લાગી જતાં ભૂગર્ભમાં રહેલી સંપદા ઉપર પણ રોક લાગી જતી હોવાથી ખુદ કચ્છના ખાણ-ખનિજ વિભાગથી
માંડી લોકપ્રતિનિધિઓનો અવાજ પણ આ મુદ્દે સંભળાતો નથી. એકબાજુ સૌરઊર્જાની સાથે પવન આધારિત
વીજળી ઉત્પન્ન કરવાના ઉદ્દેશ સાથે કચ્છમાં ખાનગી-સરકારી જમીનોમાં વિન્ડમીલ લાગી રહી
છે. ભારત સરકાર દ્વારા ગુજરાતમાં જેડા મારફતે ચાલતા આ મોટા પ્રોજેક્ટમાં કચ્છની અસ્મિતા
સામે હવે ખતરો ઊભો થતો હોવાનું ગંભીર તારણ બહાર આવ્યું છે, ત્યારે નર્મદાના પાણી માટે
ઊપાડવામાં આવેલી ઝુંબેશની જેમ આ પવનચક્કીના વ્યવહારુ પ્રોજેક્ટ અમલમાં આવે તેવી ચળવળ
ઊપાડવામાં આવે તેવો સૂર ઊઠયો છે. પવનચક્કીની વધતી સંખ્યાને જોતાં મેળવવામાં આવેલી કેટલીક
વિગતો ચોંકાવનારી રહી હતી. કેમ કે, કચ્છમાં અત્યાર સુધી પાંચ હજારથી વધારે પવનચક્કીના
પાંખડાં ફરી રહ્યાં છે અને 90 લાખ ચો.મી. સરકારી જમીનો તો આ પ્રોજેક્ટમાં આપી દેવામાં
આવી છે. સત્તાવાર આંકડો કલેક્ટર કચેરી પાસેથી મળ્યો ન હતો. કેમ કે, દરેક તાલુકાના આંકડા
અલગ-અલગ હોવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી. જો કે, 2019માં સરકારી ભાડાપટેથી પવનચક્કી
માટે જમીન નહીં આપવાનો નિર્ણય લેવાયો હતો, તેવું કેન્દ્ર સાથે પરામર્શ કરી ગુજરાત સરકારે
જણાવ્યું હતું. કેમ કે, કચ્છના રણમાં સૌર અને પવન આધારિત વીજળી ઉત્પન્ન કરવા એનર્જી
પાર્કનું નિર્માણ થતાં કચ્છના અન્ય વિસ્તારોમાં વિન્ડમીલ પર રોક લગાવવામાં આવી હતી.
ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જી સાથે રાજ્ય સરકારના પરામર્શ
બાદ વિન્ડમીલને સરકારી જમીન ભાડા પટે નહીં
આપવાનું નક્કી થયું હતું. પાંચ વર્ષ પહેલાંનો નિર્ણય હોવા છતાં હજુ તો કચ્છમાં ગમે
ત્યાં પવનચક્કી લાગી રહી છે. આ સવાલ કચ્છના કલેક્ટર અમિત અરોરાને કરવામાં આવતાં તેમણે
કહ્યું કે, મારા પહેલાંનો નિર્ણય છે, આ મુદ્દે તપાસ કરાવાશે. એક પવનચક્કીને 30 વર્ષના
ભાડા પટે સરકારી ભૂમિ આપવાની હોવાથી પવન આધારિત વીજળી પેદા કરવા કચ્છમાં 11 ખાનગી કંપની મેદાનમાં છે, જેમાંથી પાંચ
હજાર સ્થળે મંજૂરી મળી ચૂકી છે, તો 300 પ્રતિક્ષામાં છે તેવી માહિતી મળી હતી. સૌથી
ગંભીર વિષય એ સામે આવ્યો છે કે, સરકારી ખરાબામાં ડુંગરો હોય કે અન્ય જમીન જ્યાં જમીનના
પેટાળમાં વિપુલ માત્રામાં ખનિજ છે. માટી, સાદી માટી, રેતી, બ્લેક ટ્રેપ, બેન્ટોનાઇટ
જેવા ગૌણ ખનિજ જ્યાં આવેલા હોય ત્યાં પવનચક્કી લગાડવાની પરવાનગી મળી જાય છે. હદ તો
ત્યાં થઇ ગઇ કે, જ્યાં ખનિજ મળી આવે છે, એવી સરકારી જમીનમાં પવનચક્કી, લગાવવા જિલ્લા
કક્ષાની ભૂસ્તરશાત્રીની કચેરી તરફથી માત્ર હેવાલ આપવામાં આવે છે. આ માટે ખાણ-ખનિજ વિભાગની
ટીમે સ્થળ તપાસ કરવાની હોય છે, પરંતુ પવનચક્કી સ્થાપવી કે નહીં, આ બાબતનો નિર્ણય રાજ્યની
વડી કચેરી લે છે. આ અંગે ભુજના ભૂસ્તરશાત્રી શ્રી બારિયાને પૂછયું તો તેમણે પણ સમર્થન
આપ્યું કે, અમે સ્થાનિકે એન.ઓ.સી. આપતા નથી. ગૌણ ખનિજ હોય ત્યાં જ મંજૂરી આપવામાં આવે
છે. જો પવનચક્કી લાગે તો ખનન થઇ શકે આ સવાલ સામે તેમણે જણાવ્યું કે, 100 મીટરની આસપાસમાં
ખનિજનું ઉત્ખનન કરી શકાય નહીં. જમીન સરકારી હોવી જોઇએ. મળેલી માહિતી પ્રમાણે છેલ્લા
બે વર્ષમાં પૂર્વ-પશ્ચિમ કચ્છના 300થી વધુ આવા ખનિજવાળા વિસ્તારોમાં પવનચક્કી લાગી
ગઇ છે. સરકારની આ નીતિ સામે કચ્છમાં એકમાત્ર અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ
અવાજ ઊઠાવ્યો છે. તેમણે કલેક્ટર અને સરકારને
લેખિતમાં પણ જણાવ્યું છે. મોટા ખનિજ?ધરાવતા ડુંગર કે અન્ય વિસ્તારોમાં ઝાડીનો
નાશ કરી પવનચક્કી ઊભી કરવામાં આવે છે, તો આવી મંજૂરી કોણ આપે છે તેવો વેધક સવાલ કર્યો
હતો. તેમણે તો કલેક્ટર પાસેથી સરકારે કયા પરિપત્રના આધારે મંજૂરી આપી છે, એવો પરિપત્ર
પણ મળ્યો ને કહ્યું કે, કચ્છની અસ્મિતાનો સવાલ છે. એકબાજુ પર્યાવરણ જોખમાય ને બીજી
બાજુ કચ્છની ખનિજ સંપદા પર રોક લાગી જાય છે, તો આવી પ્રવૃત્તિ બંધ કરવા માગો છો કે
નહીં ? કચ્છની ભૂમિ પવનચક્કીવાળા કબજે કરી લેશે તો ભવિષ્યમાં કચ્છના લોકો માટે રોજગારીના
મોટા પ્રશ્નો થશે, ઝાડી નષ્ટ થાય, ખનિજ બંધ થાય આવા વિકાસ માટે અમે તૈયાર નથી, તેવું
સ્પષ્ટ એક જાગૃત ધારાસભ્ય તરીકે શ્રી જાડેજાએ જણાવ્યું હતું.