ભુજ, તા. 9 : પ્રચાર માધ્યમોમાં છેલ્લા કેટલાક દિવસથી વાયરલ
થયેલો કચ્છ યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયાનો મામલો હવે પોલીસના દ્વારે પહોંચ્યો છે.
જે આધારોને લઈને આ સમગ્ર મામલો ઉપસ્થિત કરાયો હતો, તે આધારો પોલીસની પ્રાથમિક તપાસમાં
ખોટા હોવાનું સપાટી ઉપર આવ્યું છે. જેને લઈને જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી હાથ
ધરાય છે કે કેમ તેના ઉપર પ્રકરણનું ભાવિ અવલંબિત બન્યું છે. કચ્છ યુનિવર્સિટીની ભરતીમાં
ગેરરીતિના આક્ષેપો તથા નાણાકીય લેવડ-દેવડના ચેટના ક્રીનશોટ વાયરલ થયાના પગલે કચ્છ યુનિ.ના
આસિ. પ્રોફેસર ગૌરવભાઈ ચૌહાણે પશ્ચિમ કચ્છના પોલીસ અધીક્ષકને તેમના વિરુદ્ધ વોટસએપ
ચેટની પી.ડી.એફ. તથા ક્રીનશોટ એડિટિંગ થયેલા અને તેના આધારે ખોટા આક્ષેપ થયા હોવાની
વિગતો જણાવી તપાસ કરવા અરજી આપી હતી. આ અરજીને ગંભીર સમજી તેની તપાસ કરવા એલસીબીને
સૂચના અપાઈ હતી. એલસીબીએ વોટસએપ ચેટની પી.ડી.એફ.ના તથા ક્રીનશોટની પ્રિન્ટેડ કોપીના
રૂપમાં કુરિયર મોકલનાર અને મેળવનારની વિગતો તપાસતા જાણવા મળ્યું છે કે, મોકલનાર કેન્ડી
દત્ત અને મેળવનાર પ્રદીપ કુમાર પડસાલા છે. આ પ્રદીપ કુમારે ભરતી પ્રક્રિયામાં અરજી
કરી હતી, પરંતુ નિયમ અનુસાર અનુભવ ન હોવાના કારણે તેઓને ઈન્ટરવ્યૂ આપવા માટે બોલાવાયા
નહીં, જેથી નારાજ થઈ અને અસંતોષના કારણે તેમણે યુનિવર્સિટીમાં રજૂઆત કરી અને કેસ દાખલ
કરાવવા શિક્ષણ વિભાગમાં પણ ફરિયાદ કરી હતી. તેઓને પણ આ કુરિયર કોણે મોકલાવેલ છે, તે
બાબતે અજાણ હોવાનું જણાવ્યું હતું. ભરતી થનારા ઉમેદવારોની પણ એલસીબીએ પૂછતાછ કરતાં
લાંચ લીધાના કે માગ્યાના આક્ષેપો સામે આવ્યા નથી અને નાણાકીય લેવડ-દેવડના ક્રીનશોટ
ખોટા હોવાનું એલસીબીની તપાસમાં સામે આવ્યાનું તેમણે યાદીમાં જણાવ્યું છે. દરમ્યાન,
આજે ભરતીના આક્ષેપો સંદર્ભે ગાંધીનગરથી તપાસ ટીમ આવી હતી. જેણે અરજદારોને સાંભળ્યા
હતા અને આવતીકાલે પણ હજુ સાંભળશે. જો કે, યુનિવર્સિટીના વર્તુળો આશ્વસ્ત છે કે, તપાસમાં સત્ય આવશે અને આ
ભરતી પ્રક્રિયા નિયમોનુસાર છે એ સાબિત થશે જ અને આ યુનિવર્સિટીને બદનામ કરવાનું ષડયંત્ર
છે, એવી વિગતો પણ બહાર આવશે, એવી અપેક્ષા યુનિવર્સિટીના સત્તાધિશો વ્યક્ત કરી રહ્યા
છે. બીજીતરફ, આ ભરતી પ્રક્રિયા સાથે સંકળાયેલા કચ્છ યુનિવર્સિટીના
આસિસ્ટન્ટ પ્રોફેસર ગૌરવ ચૌહાણે કહ્યું હતું કે,
મેં આ પ્રક્રિયા દરમ્યાન તટસ્થતાથી અને દિલથી મહેનત કરેલી છે. આક્ષેપો જૂઠા
છે એ વારંવાર કહ્યું છે અને હવે તપાસમાં સત્ય બહાર આવી ગયું છે કે, વોટસઅપ ચેટ ખોટી
જ છે. યુનિવર્સિટી તરફથી કોઈ ગેરરીતિઓ આચરાયાની વાતો તદ્દન જુઠ્ઠી છે.