• શુક્રવાર, 10 જાન્યુઆરી, 2025

નવા વાયરસથી સાવધાન

ચીનમાંના એચએમપીવી વાયરસ સામે મહારાષ્ટ્રનો આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. શરદી અને ઉધરસના દર્દીઓનું સર્વેક્ષણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સ્વચ્છતાની નિયમાવલિ પાળવાની સૂચના પણ મહારાષ્ટ્ર સરકારે આપી છે. આ સંદર્ભમાં આરોગ્ય પ્રધાન પ્રકાશ આબિટકરે મહત્ત્વની બેઠક બોલાવી છે. બેઠકમાં એચએમપીવીનો એક પણ દર્દી નોંધાયો નથી. સાર્વજનિક આરોગ્ય વિભાગે રાજ્યના શ્વસન સંસર્ગના આંકડાઓનું વિશ્લેષણ કર્યું છે. 2023ની સરખામણીમાં ડિસેમ્બર 2024માં કોઈપણ વધારો નથી થયો. આમ છતાં સાવચેતીના ભાગ તરીકે નાગરિકોએ શ્વસન સંસર્ગથી બચાવ માટે શું કરવું અને શું નહીં કરવું એ સંદર્ભની સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે. એચએમપીવીના સંસર્ગમાં શરદી અને કોરોના જેવાં લક્ષણો દેખાય છે. ઉધરસ, તાવ આવે છે. હ્યુમન મેટાપ્રોન્યુમો વાયરસ એ મેટાપ્રોન્યુમો વાયરસ જીન્સનો આરએનએ વિષાણુ છે. તેના ચેપની અસર નાનાં બાળકો અને વૃદ્ધો સહિતના બધાને થાય છે. આ રોગને લઈ ચીનના અધિકારીઓએ લોકોને ભીડભાડવાળા સ્થળે જવાનું ટાળવા, માસ્ક પહેરવાં અને હાથ સેનેટાઈઝ કરવાનું કહ્યું છે. એચએમપીવી વિષાણુને લઈ સંસર્ગથી સારા થવા માટે હાલ કોઈ રસી ઉપલબ્ધ નથી.ચીનમાં ફરી એકવાર કોરોના વાયરસ જેવો જ આ વાયરસ ભય બનતો જણાય છે. હાલમાં ચીનથી જે વાયરલ વીડિયો આવ્યો છે તેમાં હૉસ્પિટલોની બહાર જબરદસ્ત ભીડ જોઈ શકાય છે. આ બાબતના રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનમાં આ વેળા સંક્રમણ ફેલાવાનું મૂળ કારણ હ્યુમન મેટાપ્રોન્યુમો વાયરસ એટલે કે એચએમપીવી છે. એક રિપોર્ટમાં સમાચાર એજન્સી `એફપીએ' દાવો કર્યો છે કે ચીનમાં આ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને લોકોમાં ભારે સ્તર પર શ્વાસને લગતી સમસ્યાઓ નોંધાઈ રહી છે. ભારતમાં આવો પ્રથમ કેસ કર્ણાટકના બેંગલુરુમાં નોંધાયો છે. આ પછી સાવચેતીનાં પગલાં રૂપે કર્ણાટક સરકારે પણ બેઠક બોલાવી છે. જ્યારે ભારતના સ્વાસ્થ્ય વિભાગે કહ્યું છે કે આ પ્રકરણ આઈસીએમઆરની નિયમિત દેખરેખ કાર્યક્રમના પગલે પ્રકાશમાં આવ્યું છે. ચીનમાં એચએમપીવી ઉપરાંત કેટલાક વધુ વાયરસ ફેલાયાનું જાણવા મળે છે. આમાં ઈન્ફ્લુએન્જા એ, માઈકોપ્લાસમા, ન્યુમોનિયા અને કોરોના વાયરસ ફરી ફેલાવવાના દાવા સામેલ છે. કહેવાય તો ત્યાં સુધી છે કે ચીને સ્થિતિની ગંભીરતા જોતાં કટોકટી લાગુ કરી છે. ખાસ કરીને એચએમપીવી વાયરસ જેનાં લક્ષણ કોરોના વાયરસ સંક્રમણ જેવાં જ છે, તેને લઈ સ્વાસ્થ્ય અધિકારીઓએ દેખરેખ વધારી દીધી છે. શ્વસન સંક્રમણને રોકવા માટે સામાન્ય સાવચેતી લોકોએ અપનાવવી જોઈએ. કોઈને શરદી, ખાંસી, ઉધરસ, તાવ હોય તો બીજાના સંપર્કમાં આવતા બચવું જોઈએ. તેથી સંક્રમણ ન વધે. ભારત કોરોના કાળમાંથી પસાર થયું હોવાથી નવા વાયરસ અંગે લોકો માટે સતર્ક રહેવું આવશ્યક છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd