ભુજ, તા. 9 : કચ્છના જાણીતા દીપક ચા પરિવારની ભવ્યતિ શાહે
40 કલાકમાં 600 કિલોમીટર સાઇકલ સવારીની વિરલ સિદ્ધિ નોંધાવી એની સાથે બીજા ત્રણ સાયકલવીરે
પણ બીઆરએમ-600નો પડકાર પૂરો કર્યો છે. કચ્છ ઓર્થો કેરવાળા ડો. ક્રિપાલસિંહ જાડેજા સાથે
માધાપરના ડોક્ટર નીલેશ ક્ષત્રિય અને સી.એ. હેમેન ફુરિયાએ ભુજથી સાણંદ રૂટ પર 40 કલાકમાં
600 કિ.મી. સાયકલ ચલાવીને મહત્ત્વની સફળતા નોંધાવી છે. ભુજ બાઈસિકલ ક્લબના ઉપક્રમે
ઓડક્ષ ક્લબ પેરિસિયનનું પ્રતિનિધિત્વ કરતી ઓડક્ષ ઇન્ડિયા રેન્ડોનર્સ (એઆઇઆર) અંતર્ગત
લાંબા અંતરના સાઇકલ અભિયાનનું આયોજન થયું હતું. ચોથી અને પાંચમી જાન્યુઆરી દરમ્યાન
ઇવેન્ટમાં સાત રાઇડર્સે ભાગ લીધો હતો, જેમાં ચાર સાઇકલિસ્ટે 600 કિ.મી.નું અંતર પૂરું
કર્યું, જ્યારે નૈષદ રાઠી અને નિમિષ રાઠીએ 470-470 કિ.મી., જ્યારે દીપક ત્રિવેદીએ
350 કિ.મી.નું અંતર કાપવાનો પોતાનો રેકોર્ડ બનાવ્યો હતો. ડો. ક્રિપાલસિંહે જણાવ્યું
હતું કે, સાઈકલિસ્ટો માટે એક વર્ષમાં 200, 300, 400 અને 600 કિ.મી.ના અંતરની ઇવેન્ટ
થતી હોય છે. 40 કલાકમાં ઓછામાં ઓછા 30 કલાક સાઈકલ ચલાવવી પડે છે. વળતી વખતે સામો પવન
હોય, એ માટે શારીરિક ક્ષમતા, ઊર્જાની કસોટી થઇ જાય. આ માટે યોગ, સ્ટ્રેચિંગ, સાઈકલિંગની
પૂર્વતૈયારી બે મહિનાથી ચાલતી હતી. નિયત અંતરે બીઆરએમની વેબસાઇટ પર વિગતો આપલોડ થતી
હોય છે. ડો. ક્રિપાલ અને બીબીસીના સભ્યો વર્ષોથી
સાઈકલ સવારીનો આનંદ લે છે અને હવે સાઈકલ રાઇડ આદત બની ગઇ છે.