નવીદિલ્હી, તા.9 :
છત્તીસગઢના મુંગેલી જિલ્લામાં બનેલી એક મોટી દુર્ઘટનામાં રામબોદ વિસ્તારમાં નિર્માણાધીન
કુસુમ પ્લાન્ટમાં સાઈલો સિલો (સામાન સંગ્રહ ટાંકી) એકાએક તૂટી પડતાં 30 લોકો તેની નીચે
દબાઈ ગયા હતાં અને નવથી વધુ લોકોનાં મોત થયા હોવાની આશંકા છે. કાટમાળમાં દબાઈ ગયેલા
લોકોને બહાર કાઢવા તાબડતોબ બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ચીમની ધરાશાયી થયા
પછી તરત જ બે વ્યક્તિને કાટમાળમાંથી બહાર કાઢીને
તાબડતોબ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે પોલીસ, પ્રશાસનની ટુકડીઓ
સ્થળ ઉપર દોડી ગઈ હતી અને કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. આ અકસ્માત મુંગેલી જિલ્લાના બિલાસપુર-રાયપુર રાષ્ટ્રીય
ધોરીમાર્ગ પર રામબોદ ગામમાં સ્થિત કુસુમ પ્લાન્ટમાં થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર,
પ્લાન્ટમાં રાખવામાં આવેલી સામાન સંગ્રહ ટાંકી અચાનક પડી જતાં પ્લાન્ટમાં કામ કરતા
કામદારો તેની હડફેટમાં આવ્યા હતા. કુસુમ પ્લાન્ટ
આ વિસ્તારમાં સ્પોન્જ આયર્ન ફેક્ટરી તરીકે પણ ઓળખાય છે. પોલીસ અને વહીવટી સ્ટાફ સ્થળ
પર હાજર છે. કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવાનું કામ ચાલી રહ્યું છે. કાટમાળને બહાર
કાઢવા માટે જેસીબી મશીન અને મોટી ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડના
વાહનો પણ હાજર છે. પોલીસ અને મેડિકલ ટીમ ઘટનાસ્થળે હાજર છે.