• શુક્રવાર, 10 જાન્યુઆરી, 2025

મુંદરામાં ખુલ્લા ખાનગી પ્લોટમાં ગંદકી નહીં ચલાવાય

મુંદરા, તા. 9 :  અહીંની મુંદરા-બારોઇ નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં શહેરના ખાનગી માલિકીના ખુલ્લા પ્લોટ પર થતી ગંદકી નિવારવા નોટિસ આપી અને જરૂર પડયે સુધરાઈ દ્વારા સફાઈ હાથ ધરીને માલિક પાસેથી વેરા સાથે દંડનીય રકમ વસૂલવા સહિતના નિર્ણયો લેવાયા હતા. સભામાં હિસાબો બહાલી તેમજ આગામી આયોજનો માટે જરૂરી નવી ગ્રાન્ટોની માગણી મૂકવાના ઠરાવો પસાર કરાયા હતા. વિપક્ષી સભ્યો દ્વારા લેન્ડ ગ્રાબિંગવાળી  બાકી જમીનો ખુલ્લી કરવા અને રખડતા ઢોરોની ગંભીર સમસ્યા ત્વરિત  ઉકેલવા સહિતના મુદ્દા ઉઠાયા હતા, સાથે છેલ્લે વિપક્ષી  સભ્ય દ્વારા મુકાયેલી લેખિત રજૂઆતોનું વાંચન ન કરવા બદલ સામાજિક ભેદના આક્ષેપો ઊઠ્યા હતા. જો કે, નગરપાલિકા પ્રમુખે આવા આક્ષેપને ઘસીને નકારતાં કહ્યું કે, 1થી 7 વોર્ડમાં તમામ સમાજનો વસવાટ છે અને જ્યારે વિકાસકામો થાય છે ત્યારે સમાન ફાળવણી જ થાય છે.  સુધરાઈ પ્રમુખ રચનાબેન જોશીનાં અધ્યક્ષસ્થાને તેમજ ચીફ ઓફિસર યુવા તાલીમી આઈએએસ  સુસ્મિતાબેનની ઉપસ્થિતિમાં યોજાયેલી સભામાં મોટાભાગના ઠરાવોને સર્વાનુમતે બહાલી અપાઈ હતી. પીવાનાં નર્મદા પાણી માટે જીડબલ્યુઆઈએલને ભરવાની 36 લાખની રકમ મંજૂર કરવા બદલ મુખ્યમંત્રીનું અભિવાદન કરતો ઠરાવ પસાર કરાયો હતો. આ સાથે સીધી ભરતી-બઢતીના સુધારા નિયમો, નગરપાલિકા વિસ્તાર હસ્તકની દબાણ પછી છૂટી કરાયેલી સરકારી જમીનોને ફેન્સિંગ સહિતના વિવિધ ઠરાવોને બહાલી અપાઈ હતી. ન.પા. વિપક્ષી નેતા ઇમરાન જતે રખડતા ઢોરો માટે 11 લાખ મંજૂર થવા છતાં કામ આગળ ન વધવાનો સવાલ ઉઠાવ્યો હતો, સાથે સ્ટ્રોમ વોટર યોજનામાં મસમોટો ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો આરોપ મૂક્યો હતો. ઉપરાંત ખાનગી માલિકીના પ્લોટમાં સફાઈ કરી દંડના નિર્ણય મુદ્દે સૂચન કર્યું કે, જે નિયમ પાલન ન કરે એવા સામે કાર્યવાહીની પણ જોગવાઈ કરવામાં આવે. નગરસેવક હરિ વિરમ ગોહિલે લેન્ડ ગ્રેબિંગ કેસવાળી 33 જમીનો પૈકી 4 જમીનો પરનું દબાણ તોડીને શા માટે ખુલ્લું કરવામાં નથી આવતું એવો સવાલ ઉઠાવ્યો હતો. સભ્ય જાવેદ પઠાણે પત્ર લખી રોડ રિસર્ફાસિંગ કામમાં ગેરરીતિનો આરોપ મૂકી કોન્ટ્રાક્ટર સામે બ્લેકલિસ્ટની કાર્યવાહીની માગણી કરી હતી. સભ્ય કાનજીભાઈ સોંધરાએ કહ્યું કે, વિકાસકામોમાં સાથ આપશું જ, પણ કામ ઉપર મોનિટરિંગ થવું જોઈએ, નહીં તો સુધરાઈની પણ જવાબદારી રહેશે. પ્રતિભાવમાં સુધરાઈ પ્રમુખે આ ઉઠાવાયેલા  પ્રશ્નોમાં પગલાં લેવાં ખાતરી આપી હતી. એક તબક્કે નગરસેવક નિમિતાબેન પાતારિયાની રજૂઆતનો પત્ર ન વાંચવા બદલ વિપક્ષી નેતાએ સામાજિક ભેદભાવનો આરોપ મૂકયો હતો. જો કે, પ્રમુખે પત્રકારોને જણાવ્યું કે, મતિયાદેવ બારોઈ બગીચો હોય કે  સ્મશાનગૃહ-સ્નાનાઘાટ હોય, અનેક કામો ચાલુ છે. તમામ વોર્ડમાં ગ્રાન્ટોની સમાન ફાળવણી થઈ છે અને થતી રહેશે. સભામાં ઉપપ્રમુખ જિતેન્દ્ર માલમ, કારોબારી ચેરમેન ભોજરાજ ગઢવી, શાશક પક્ષના નેતા ધર્મેન્દ્રસિંહ ઝાલા, દિલીપ ગોર મંચસ્થ રહ્યા હતા.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd