ગાંધીધામ, તા. 9 : અહીંના ઓસ્લો ખાતે ડો. બી. આર. આંબેડકર બ્રિજની
મહિનાઓથી સફાઈ ન થતાં ઠેરઠેર કચરાના ગંજ ખડકાઈ ગયા હતા. જેના લીધે ગંભીર અકસ્માત સર્જાવાની
ભીતિ વ્યકત કરાઇ રહી હતી. દરમ્યાન મહાનગરપાલિકા દ્વારા આખરે બ્રિજ પર સફાઈનો પ્રારંભ
કરાયો છે. અંજાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાજેતરમાં ઓસ્લો ખાતે ડો. બી. આર. આંબેડકર
બ્રિજ બનાવવામાં આવ્યો હતો. રાજકીય ખેંચતાણમાં મહિનાઓ બાદ આખરે પુલ શરૂ થયો હતો, પરંતુ
આ પુલ ઉપર તેમજ નીચેના ભાગે સફાઈ સંદર્ભે કોઈ દરકાર લેવામાં ન આવતા કચરાના ગંજ ખડકાઈ
ગયા હતા. જ્યારે ઉપરના ભાગે રોડ પર માટીના થર જામી ગયા હતા. આ પુલનું નિર્માણ થયા બાદ
સફાઈ કોણ કરશે? તેવો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો, પરંતુ આખરે અહીંની મહાનગરપાલિકાએ અગાઉ
સફાઈ કરવાની વાત સ્વીકારી હતી. ઓવરબ્રિજની સફાઈ મુદ્દે ચાલતા ભેદ ભરમ વચ્ચે મહાનગરપાલિકા
દ્વારા સફાઈનો આરંભ કરવામાં આવ્યો છે. જેસીબી, ટ્રેકટર વડે પુલ ઉપર માટીની સફાઈ શરૂ
કરવામાં આવી હતી તેમજ ટાગોર રોડ પર અન્ય સ્થળોએ પણ સફાઈનું કામ હાથ ધરવામાં આવ્યું
હતું. આ કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેવાની વાત સૂત્રો દ્વારા કરાઇ હતી. ત્યારે
ટાગોર રોડની જેમ આંતરિક વિસ્તારોમાં પણ સફાઈ અંગે ઝુંબેશ ચલાવવામાં આવે તેવી માંગ લોકો
દ્વારા કરાઇ રહી છે.