ગાંધીધામ, તા. 9 : કંડલાના હનુમાન વોસરી કચ્છ સોલ્ટ વર્ક એન્ડ
ઇન્ડસલીન્ડ કંપનીમાં 35 ટન મીઠું આવ્યું ન હોવા છતાં મીઠું આવી ગયાનું બતાવી બારોબાર
સગેવગે કરી નખાતા ત્રણ શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે
ફરિયાદ નોંધાઇ હતી. કંડલામાં આવેલ કચ્છ સોલ્ટ વર્ક એન્ડ ઇન્ડસલીન્ડ કંપનીમાં ગઇકાલે
સવારે બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ કંપનીમાં
ખાવડાના સોલારી પ્લાન્ટમાંથી મીઠું આવે છે. કંપનીમાં કામ કરનાર કર્મચારીએ ડેઇલી રિપોર્ટ
તપાસ કરતા ટ્રક નંબર જી.જે. 12 બી.ઝેડ.-5524વાળી કંપનીમાં આવી ન હોવા છતાં રિપોર્ટમાં તે ગાડી આવી ગઇ હોવાનું બતાવાયું હતું. બાદમાં
સીસીટીવી કેમેરા તપાસ કરાતા આ વાહન ખાવડાથી નીકળ્યું હતું. પરંતુ અહીં કંડલા ખાતે પહોંચ્યું નહોતું. આ વાહનનું વેબ્રિજ વજન પણ કરાયું નહોતું.
પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ કંપનીના સુપરવાઇઝર સુનિલ વેલજી ડાંગરે વેબ્રિજ પર
કામ કરતા શ્રીરાજસિંહ મનોહરસિંહ જાડેજાને મળી કોમ્પ્યુટરમાં સ્ટોક સરભર કરી આ વાહનમાં
આવતું રૂા. 7000નું 35 ટન મીઠું ચાલક સાથે મળીને ક્યાંક સગેવગે કરી નાખ્યું હતું. કંપનીના
માલિક મુકેશ જૈનના કહેવાથી મેનેજર સુરેશ મોતીલાલ જૈનએ આ ત્રણેય વિરુદ્ધ પોલીસ મથકે
ફરિયાદ નોંધાવી હતી, જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.