• શુક્રવાર, 10 જાન્યુઆરી, 2025

વિપક્ષી જોડાણ `ઈન્ડિ'ની એકતા છિન્નભિન્ન

આનંદ કે. વ્યાસ તરફથી : નવી દિલ્હી, તા. 9 : વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણવાળી ભાજપની એનડીએ સરકારને સત્તા પરથી હટાવવાના ઈરાદા સાથે ખાસ રચાયેલું વિપક્ષોનું `ઈન્ડિયા' જોડાણ ખતમ થઈ ગયું હોવાની સ્થિતિ સર્જાઈ છે. થોડા સમયથી કોંગ્રેસી નેતૃત્વવાળા આ જોડાણના નેતાઓમાં અંદરોઅંદર ખટરાગ ચાલી રહ્યો છે. મમતા બેનર્જી, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ બાદ હવે કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે પણ ઈન્ડિયાના નેતૃત્વ સામે નારાજગી વ્યક્ત કરી છે. કોંગ્રેસ નેતા પવન ખેડાએ પણ `ઈન્ડિયા' જોડાણનો અંત આવી ગયો હોવાના દાવા સાથે જણાવ્યું હતું કે, આ જોડાણ માત્ર લોકસભાની ચૂંટણી સુધી જ હતું. એ જ રીતે, કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે પણ કહ્યું હતું કે, વિપક્ષ એકજૂટ નથી એ જોતાં ઈન્ડિયા જોડાણનો ભંગ કરી નાખવો જોઈએ. અગાઉ, રાજદ નેતા તેજસ્વી યાદવે પણ આજે જ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, સામાન્ય ચૂંટણી ખતમ થયા પછી ઈન્ડિયા જોડાણ પણ ખતમ થઈ ગયું છે. આ જોડાણમાં કોઈ એજન્ડા પણ નથી અને કોઈ નેતૃત્વ પણ નથી. ઈન્ડિયાની છેલ્લી બેઠક સાત મહિના પહેલાં પહેલી જૂન, 2024ના થઈ હતી. ત્યાર પછી હરિયાણા, કાશ્મીર, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણીઓ થઈ ચૂકી છે. હકીકતમાં, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ઈન્ડિયા જોડાણના ભાગ છે; પરંતુ દિલ્હીની ચૂંટણી અલગ-અલગ લડી રહેલા બન્ને પક્ષ વચ્ચે લગાતાર ઘર્ષણ જોવા મળ્યું છે. એ વાત પર પણ કોઈ જાતની સ્પષ્ટતા નથી કે, આપણે એકજૂટ રહેશું કે નહીં તેવું અબ્દુલ્લાહે જણાવ્યું હતું. જમ્મુ કાશ્મીરના મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ ઇન્ડિ ગઠબંધનનો અંત લાવવાની વાત ગુરુવારે જણાવી છે. તેમણે જણાવ્યું હતું કે ઇન્ડિ ગઠબંધન જો લોકસભા સુધી જ સીમિત હતુ તો સારું રહેશે કે હવે તેનો અંત લાવો. ઓમર અબ્દુલ્લએ ઇન્ડિ ગઠબંધનની કામગીરી ઉપર સવાલો ઉઠાવતા આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે દુર્ભાગ્યવશ છેલ્લા કેટલાક સમયથી ઇન્ડિ ગઠબંધનની કોઇ બેઠક થઇ નથી. તેમના લીડર કોણ હશે ?, આગામી એજન્ડા શુ હશે ? ગઠબંધન આગળ કઇ રીતે વધશે તેના ઉપર કોઇ ચર્ચા થઇ રહી નથી, અમે એક રહીશુ કે નહીં તે અંગે પણ કોઇ સ્પષ્ટતા નથી. અબ્દુલ્લાએ ઇન્ડિ ગઠબંધનના નેતૃત્વને સલાહ આપતાં જણાવ્યું હતું કે દિલ્હી ચૂંટણી બાદ ગઠબંધનની એક બેઠક થવી જોઇએ. તમામ મુદ્દે સ્પષ્ટતા થવી જોઇએ. જો ગઠબંધન માત્ર લોકસભા સુધી જ સીમિત હતુ તો ગઠબંધનનો અંત લાવો. જો ગઠબંધનને વિધાનસભામાં પણ જાળવી રાખવુ હોય તો સાથે મળીને કામ કરવાની જરૂર છે. અબ્દુલ્લાએ દિલ્હી વિધાનસભાની ચૂંટણી અંગે જણાવ્યું હતું કે કોંગ્રેસ અને આમ આદમી પક્ષ બંને આ ચૂંટણીમાં આમને સામને લડી રહી છે. મારે આ અંગે કોઇ પ્રતિક્રિયા આપવી નથી. હું તો માનું છું કે જે પક્ષમાં દમ હશે એ જ પક્ષ દિલ્હીમાં જીતશે. આ અંગે કહેવુ વહેલુ ગણાશે. મારા મતે તમામ વિપક્ષોએ એક થઇને ભાજપને હરાવવાની રણનીતિ ઘડવી જોઇએ અને એ અંગે વિચારવુ જોઇએ. ગત બે ચૂંટણીઓમાં આમ આદમી પક્ષ દિલ્હીમાં જીતી છે. આ વર્ષે દિલ્હી વાસીઓ કોના પક્ષમાં છે તે પાંચમી ફેબ્રુઆરીએ મતદાન અને આઠમી ફેબ્રુઆરીએ પરિણામ બાદ ખબર પડશે. કોંગ્રેસે પોતાની રણનીતિમાં ફેરફાર કરવાની અને બાકીના પક્ષોને ફરી વિશ્વાસમાં લેવાની તાતી જરૂર છે એમ અબબ્દુલ્લાએ વધુમાં ઉમેર્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd