• ગુરુવાર, 07 ડિસેમ્બર, 2023

એશિયાડમાં નિશાનેબાજોને વધુ એક સુવર્ણ

હાંગઝોઉ (ચીન), તા.28: 19મા એશિયન ગેમ્સના આજે પાંચમા દિવસે ભારતીય નિશાનેબાજોએ ફરી એકવાર દેશને ગોલ્ડ મેડલની ભેટ આપી છે. આ ઉપરાંત વુશુની રમતમાં સિલ્વર મેડલ મળ્યો છે. ઘોડેસવારીમાં ભારતીય ખેલાડીએ કાંસ્ય ચંદ્રક જીત્યો છે. ગુરુવાર સાંજ સુધીમાં ભારતે એશિયન ગેમ્સમાં કુલ 2પ મેડલ કબજે કર્યાં છે. જેમાં 6 સુવર્ણ, 8 રજત અને 11 કાંસ્ય ચંદ્રક છે. નિશાનેબાજીમાં વધુ એક શૂટિંગની 10 મીટર પિસ્તોલ મેન્સ ટીમ સ્પર્ધામાં ભારતના સરબજીત સિંઘ, અર્જુન સિંહ અને શિવા નરવાલની ત્રિપુટીએ ફાઇનલમાં 1734 પોઇન્ટનો સ્કોર કરીને પ્રથમ સ્થાને રહીને ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો. આ સ્પર્ધામાં ચીનની ટીમ 1733 પોઇન્ટ સાથે સિલ્વર મેડલની હકદાર બની હતી જ્યારે 1730ના સ્કોર સાથે વિયેતનામની ટીમને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો હતો. વુશુમાં રોશિબિના દેવીને રજત ચંદ્રક વુશુની 60 કિલો વર્ગના ફાઇનલમાં ભારતીય મહિલા ખેલાડી રોશિબિના દેવીનો ચીની ખેલાડી જિયાઓવેઇ વૂ વિરુદ્ધ 0-2થી પરાજય થયો હતો. આથી તેણીને સિલ્વર મેડલથી સંતોષ કરવો પડયો હતો. એશિયન ગેમ્સના ઇતિહાસમાં વુશુની રમતમાં ભારતનો આ બીજો રજત ચંદ્રક છે. મેન્સ ટેનિસ ડબલ્સમાં મેડલ નિશ્ચિત પુરુષોની ટેનિસની ડબલની રમતમાં ભારતીય જોડી સાકેત માયનેની અને રામકુમાર રામનાથન ફાઇનલમાં પહોંચી ગયા છે. આથી આ સ્પર્ધામાં ભારત માટે ગોલ્ડ અથવા સિલ્વર મેડલ નિશ્ચિત બની ગયો છે. ભારતીય જોડીએ સેમિ ફાઇનલમાં કોરિયન જોડીને 6-1, 6-7 અને 10-0થી હાર આપી હતી. સ્વિમિંગમાં પુરુષ ટીમ ફાઇનલમાં ભારતની પુરુષ તરણ ટીમ 4 બાય 100 મીટર ફ્રી સ્ટાઇલ સ્પર્ધામાં નેશનલ રેકોર્ડ સાથે ફાઇનલમાં પહોંચી છે. ભારતીય તરણ ખેલાડીઓ તનિષ જોર્જ, વિશાલ ગ્રેવાલ, આનંદ એએસ અને શ્રીહરિ નટરાજને 3 મિનિટ અને 21.22 સેકન્ડના સમય સાથે ફાઇનલમાં જગ્યા બનાવી હતી. બેડમિન્ટનમાં મહિલા ટીમ ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય મહિલા બેડમિન્ટન ટીમે રાઉન્ડ-16માં મંગોલિયાની ટીમે 3-0થી હાર આપીને અંતિમ આઠમાં જગ્યા બનાવી હતી. ભારતીય ખેલાડી સ્ટાર પીવી સિંધુ, અશ્મિતા ચાલિહાના મંગોલિયન ખેલાડીઓ સામે આસાન વિજય થયા હતા.આ ઉપરાંત મહિલા મુક્કેબાજીમાં 60 કિલોની સ્પર્ધામાં ભારતની જેસ્મિન લામ્બોરિયા કવાર્ટર ફાઇનલમાં પહોંચી છે. ટેબલ ટેનિસમાં શરથ કમલ અને સાથિયાનની જોડી પણ મંગોલિયાની પેરની હાર આપીને રાઉન્ડ-16માં પહોંચી છે. ઘોડેસવારીમાં અનુષ અગરવલ્લાને બ્રોન્ઝ મેડલ ભારતના અનુષ અગરવલ્લાએ ઘોડેસવારીની ડ્રેસેજની વ્યક્તિગત સ્પર્ધામાં ત્રીજા સ્થાને રહીને કાંસ્ય ચંદ્રક જીત્યો છે. વર્તમાન એશિયન ગેમ્સમાં અનુષનો આ બીજો ચંદ્રક છે. ફાઇનલમાં તેનો સ્કોર 73.030 રહ્યો હતો. આ રમતમાં મલેશિયાના ખેલાડી મોહમ્મદ ફાથિલે 7પ.780ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો. જયારે હોંગકોંગના જેકલીન વિંગ 73.4પ0ના સ્કોર સાથે રજત ચંદ્રક જીતવામાં સફળ રહ્યો હતો.

Janmadin Vishesh Purti

Panchang