નવી દિલ્હી, તા. 20 : વિદેશ
મંત્રી એસ જયશંકરના કહેવા પ્રમાણે વર્તમાન સમયે દુનિયા મોટા વૈશ્વિક આર્થિક અને
રાજનીતિક બદલાવના સમયમાંથી પસાર થઈ રહી છે.આ સ્થિતિમાં તાકાતના ઘણા કેન્દ્રો ઉભરી
રહ્યા છે. કોઈપણ દેશ ગમે તેટલો શક્તિશાળી કેમ ન હોય, તે હવે કોઈપણ મુદ્દે પોતાની ઈચ્છા બીજા દેશ
ઉપર થોપી શકતો નથી. જયશંકર પુણેમાં સિબયોસિસ ઈન્ટરનેશનલ યુનિવર્સિટીના 22મા
દીક્ષાંત સમારોહમાં સંબોધન કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે
દુનિયાની આર્થિક અને રાજનીતિક તાકાતનો ક્રમ હવે પૂરી રીતે બદલાય ચૂક્યો છે.આજે
વૈશ્વિક સ્તરે એક નહીં પણ ઘણા કેન્દ્ર બન્યા છે. જ્યાંથી શક્તિ અને પ્રભાવ કામ કરી
રહ્યા છે. જયશંકરે કહ્યું હતું કે,
અમેરિકા સાથે સંવાદ અને સંકલન પહેલાની તુલનાએ વધારે જટિલ બન્યું છે.
ચીનનો ઉકેલ પણ વધારે ગુંચવણ ભર્યો છે. યુક્રેન યુદ્ધના કારણે રશિયાને ભરોસામાં
લેવું મુશ્કેલ છે. કારણ કે ભારત ઉપર રશિયાથી દૂરી રાખવા દબાણ કરવામાં આવી રહ્યું
છે. જયશંકરના કહેવા પ્રમાણે વર્તમાન સમયમાં દેશો વચ્ચે સ્વાભાવિક પ્રતિસ્પર્ધા
જોવા મળી રહી છે અને આ પ્રતિસ્પર્ધા એક સંતુલન બનાવી રહી છે. દુનિયા હવે એક
કેન્દ્ર ધરાવતી નથી રહી. દુનિયામાં અલગ અલગ દેશો અને ક્ષેત્ર પોતાની ભૂમિકા નિભાવી
રહ્યા છે. આવી જ રીતે તાકાતની પરિભાષા હવે પહેલા જેવી નથી રહી. આજે તાકાત માત્ર
સેના કે હથિયાર સુધી સીમિત નથી. તેમાં વ્યાપાર, ઊર્જા,
સૈન્ય ક્ષમતા, પ્રાકૃતિક સંસાધન, ટેકનોલોજી અને માનવા પ્રતિભા સામેલ છે. આ જ કારણે વૈશ્વિક શક્તિને સમજવી
પહેલા કરતા વધારે જટિલ બની છે.