• રવિવાર, 21 ડિસેમ્બર, 2025

માંડવીમાં ટ્રાફિકજામે સર્જ્યો કકળાટ

માંડવી, તા. 20 : દસ દિવસ `બીચ ફેસ્ટિવલ'ના પડઘમ વાગી રહ્યા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે મહોત્સવ લોકાર્પિત થવાનો હોવાની જાહેરાતથી સમયાંતરે દરિયા કિનારાને સુંદરતાના વાઘા પહેરાવાઈ રહ્યા છે. વૈકલ્પિક રસ્તાઓના અભાવે ટ્રાફિકજામની સમસ્યાએ આક્રોશ ફેલાવ્યો છે. શાળા છૂટયા પછી બે-અઢી કલાકો સુધી બાળકો ઘર પહોંચવા માટે લાચારી અનુભવતાં હતાં. 142 વર્ષ પુરાણા ઐતિહાસિક રૂકમાવતી પુલને યાતાયાત માટે જડબેસલાક બંધ કરી બંને છેડે પગથિયા બનાવી આડસો મૂકી દેવાતાં આવ-જા અર્થે એકમાત્ર હયાત નવા પુલ ઉપર ગજા બહારનું ભારણ વધી રહ્યું છે. રમણીય સાગર કિનારે પ્રવાસીઓ દિન-બ-દિન વધુને વધુ લોભાતા રહ્યા છે. ભારેખમ માલવાહકો, ભાર-ખટારા, બસો, ખાનગી ચાડિકાઓ થકી અત્યંત ત્રાસદાયક ભીડ, ટ્રાફિકજામ થકી શહેર - પંથકના નાગરિકોને ઘરે કે ધંધા સ્થળે પહોંચવા પગેપાણી ઉતરી રહ્યાં છે. શાળા છૂટયા પછી બાળકો-છાત્રો ટ્રાફિકજામને કારણે બે-અઢી કલાક લાચાર થઈ દયામણાં નજરે આવે છે. આ શિરોવેદનાને હળવી કરવા શાનસમો 142 વર્ષો જૂના રૂકમાવતી પુલને કમસેકમ પગપાળા અને દ્વિચક્રી વાહનોની અવર-જવર માટે કાર્યરત કરવાની માગણી જાગૃત નાગરિકો અને ભોગ બનનારાઓએ આગળ ધરી છે. સૂમસામ પુલને છેડે ગાંડા બાવળો બાજુ પ્રસરાવી રહ્યા છે. આવશ્યક મરંમત - મેજર રિપેરિંગ જરૂરી હોય, તો તે હાથ ધરીને નદીપારના સલાયા, સોસાયટી વિસ્તારો, મસ્કા અને તે રસ્તે આવતી મામલતદાર, તાલુકા પંચાયત, છાત્રાલય, આઈ.ટી.આઈ., હોસ્પિટલ તરફના ટ્રાફિકને એ વૈકલ્પિક માર્ગે સત્વરે નસીબ કરાવવું અનિવાર્ય હોવાનું તાર્કિક રીતે માગવામાં આવ્યો છે. વહેલી શાળા છૂટી હોવા છતાં કેટલાક રીક્ષા-છકડા ટ્રાફિકમાં સલવાતાં વાલીઓ ચિંતાતૂર બન્યાં હતાં. જૈન આશ્રમ પાસેથી નિર્માણાધીન બાયપાસ આગામી વર્ષમાં ખુલ્લો મૂકાવા જઈ રહ્યો હોવાથી પ્રવાસનની સિઝનના મહિનાઓ ઉક્ત ટ્રાફિકજામને ધ્યાને લઈ ઉકેલ લાવવો અનિવાર્ય કહેવાયું છે. તદુપરાંત વહીવટી પ્રક્રિયામાં અટાયેલો શીતલા મંદિર પાસેથી વિન્ડફાર્મને જોડેલો `િલન્ક રોડ' સાકાર કરવા તંત્ર અને મોટાં માથાંઓએ જનાભિમુખ બનવાની વિનવણી કરવામાં આવી છે.  શનિવારે સવારથી ટ્રાફિકજામ વકરતાં પી.આઈ.શ્રી બારોટને દોડી જઈને પરિસ્થિતિને અંકુશમાં લેવા મથવું પડયું હતું. 21થી 31 ડિસે. દરમ્યાન બીચ ફેસ્ટિવલની જાહેરાત રીક્ષાઓ ફેરવીને કરાઈ રહી છે. બીચને સાફ સૂથરો, સોહામણા વાઘા પહેરાવવા તંત્ર ધંધે લાગ્યું છે. ત્યારે નાગરિકો, સહેલાણીઓને ટ્રાફિકજામની શિરોવેદનામાંથી છૂટકારો વેળાસર મળે તેવી લાગણી વ્યક્ત કરાઈ હતી.

Panchang

dd