વોશિંગ્ટન, તા. ર0 : અમેરિકાના
રાષ્ટ્રપતિ ટ્રમ્પના એક હસ્તાક્ષરે ભારતીય દવા કંપનીઓની ઊંઘ હરામ કરી નાંખી છે.
ટ્રમ્પે અમેરિકામાં ઉપલબ્ધ દવાઓના ભાવમાં 300% થી 700% સુધીનો
ઐતિહાસિક ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી ભારતીય દવા નિકાસકારોને મરણતોલ
ફટકો પડશે. વાશિંગ્ટનમાં એક હાઇ-પ્રોફાઇલ માટિંગ દરમિયાન ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે
અમેરિકા હવે દવાઓ માટે અતિશય કિંમતો ચૂકવશે નહીં. દશકોથી અમેરિકનોને વિશ્વની સૌથી
મોંઘી દવાઓ ખરીદવાની ફરજ પાડવામાં આવતી હતી પરંતુ હવે એવું નહીં થાય. અમે મોસ્ટ
ફેવર્ડ નેશન્સ પ્રાઇસિંગ લાગુ કરી રહ્યા છીએ. જેનો અર્થ એ થયો કે વિશ્વના કોઈપણ
દેશમાં દવા માટે સૌથી ઓછી કિંમત હવે અમેરિકા પર લાગુ થશે. ભારતીય કંપનીઓ
અમેરિકામાં મોટી માત્રામાં સસ્તી જેનેરિક દવાઓ નિકાસ કરે છે. ટ્રમ્પના આ નવા
નિર્ણય બાદ અમેરિકા આ ભાવોને તેના બેન્ચમાર્ક તરીકે અપનાવે છે તો તેની કંપનીઓનો
નફો ઘટશે જેની સીધી અસર ભારતીય સપ્લાય ચેઇન પર પડશે. ટ્રમ્પે સ્પષ્ટપણે ચેતવણી આપી
છે કે તે અન્ય દેશોને કિંમતો ઘટાડવા દબાણ કરવા માટે ટેરિફનો ઉપયોગ કરશે. આ જાહેરાત
દરમિયાન ટ્રમ્પની સાથે આરોગ્ય સચિવ રોબર્ટ એફ. કેનેડી જુનિયર, વાણિજ્ય સચિવ હોવર્ડ
લુટનિક અને ડૉ. મેહમેટ ઓઝ ઉપસ્થિત હતા. નોવાર્ટિસ, સનોફી અને
જીએસકે સહિત વિશ્વની સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓના સીઈઓએ કરાર પર હસ્તાક્ષર
કર્યા છે. અમેરિકામાં ભાવમાં તીવ્ર ફેરફાર ભારતીય કંપનીઓના આવક માર્જિન પર દબાણ
લાવશે. સન ફાર્મા, ડૉ. રેડ્ડીઝ અને સિપ્લા જેવી મુખ્ય ભારતીય
કંપનીઓના શેર પર અસર પડી શકે છે.