ભુજ / ગાંધીધામ,
તા. 20 : મુંદરા
તાલુકાના નાના કપાયામાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના પરિવારના 13 વર્ષીય સગીર એવા આયુષ અનિલકુમાર યાદવને ટયુશન જવાનું
કહેતાં તે ક્રોધમાં આવી જઇ પોતાના રૂમમાં ગળેફાંસો ખાઇ જીવ દઇ દેતાં અરેરાટી વ્યાપી
છે, જ્યારે ગાંધીધામમાં કોઈ કારણસર સંજયભાઈ દેવજીભાઈ મારૂ (ઉ.વ.
24)એ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યુ હતું. આ ઉપરાંત ગાંધીધામમાં
સિમરન કમલભાઈ મહેશ્વરી (ઉ.વ. 19)એ
અગમ્ય કારણે ગળેફાંસો ખાઈને જિંદગીનો અંત આણ્યો હતો. મૂળ ઉત્તરપ્રદેશ હાલે નાના કપાયા
રહેતા અંકિત અનિલકુમાર યાદવે આજે મુંદરા પોલીસ મથકે જાહેર કરેલી વિગતો મુજબ તેનો 13 વર્ષીય ભાઇ ગઇકાલે સાંજે ટયુશનથી જલ્દી પાછો આવી જતાં
તેને ફરી ટયુશન જવાનું કહેતાં તે અત્યંત ગુસ્સામાં આવી ગયો હતો અને પોતાના રૂમમાં જઇ
લાકડીની આડીમાં લુંગી વળે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મુંદરા પોલીસે અકસ્માત
મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે. શહેરના જૂની સુંદરપુરી તળાવડી વિસ્તારમાં રહેતા સંજયભાઈએ પોતાના ઘરમાં
ગત તા. 19/12ના 13.20 વાગ્યાના અરસામાં પંખામાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાધો
હતો. આ યુવાનને સારવાર માટે રામબાગ હોસ્પિટલ ખાતે લવાતાં ફરજ ઉપરના તબીબી ડો. મીરા
જેઠવાએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે અકસ્માત નોંધના આધારે આ યુવાને કયા કારણોસર
આ પ્રકારે અંતિમ પગલું ભર્યું હશે તે દિશામાં તપાસ હાથ ધરી છે. આત્મહત્યાનો વધુ એક
બનાવ શહેરના ગુરુકુળ વિસ્તારમાં વોર્ડ નં. 7/બીમાં
પ્લોટ નં. 92માં ગત તા. 19/12ના સાંજે 5 વાગ્યાના
અરસામાં બન્યો હતો. સિમરન નામની યુવતીએ પોતાના ઘરમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાધો હતો.
રામબાગ હોસ્પિટલના ડો. મીરા જેઠવાએ આ યુવતીને સત્તાવાર રીતે મૃત જાહેર કરી હતી. બનાવ પાછળનું કારણ જાણવા
માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, આજકાલના યુવાનો
અને બાળકોમાં સહનશક્તિનો અભાવ વર્તાઇ રહ્યો છે. નાની-નાની બાબતોમાં અંતિમ પગલાં ભરી
લેવાના બનાવો વધ્યા છે, જે અત્યંત ચિંતાજનક બાબત હોવાનું પ્રબુદ્ધો
માની રહ્યા છે. આથી આને લઇ જાગૃતિના કાર્યક્રમો વધુ તેજ બને તેવું લોકો માની રહ્યા
છે.