• રવિવાર, 21 ડિસેમ્બર, 2025

ગિલની બાદબાકીનું કારણ શું ?

મુંબઈ, તા. 20 : પસંદગીકારોએ ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરી, ત્યારે શુભમન ગિલનો 15 સભ્યોની ટીમમાં સમાવેશ ન હોવાને લઈને સૌ ચોંકી ઊઠયા છે. ગિલ ટેસ્ટ અને વન-ડેમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન છે અને ટી-20માં ભવિષ્યના કેપ્ટન તરીકે પણ જોવામાં આવતો હતો. જો કે, વર્લ્ડ કપ પહેલાં તેની સતત નિષ્ફળતાઓને કારણે તેમને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. પસંદગીકારો ગિલની બાદબાકી માટે ટીમ કોમ્બિનેશનનું કારણ આગળ ધરી રહ્યા છે. આમ ગિલ સતત બીજા ટી-20 વર્લ્ડ કપમાં રમી શકશે નહીં. તેણે ટેસ્ટ અને વન-ડેમાં પોતાની બેટિંગ કુશળતા દર્શાવી છે, પરંતુ ટી-20માં ખાસ સારું પ્રદર્શન કર્યું નથી. આ જ કારણ છે કે, પસંદગીકારોએ આખરે તેની જગ્યાએ ઓપનર તરીકે સંજુ સેમસનને લેવાનો નિર્ણય લીધો. વધુમાં, ઈશાન કિશનના ફોર્મને ધ્યાનમાં રાખીને, તેને બેકઅપ વિકેટકીપર તરીકે પણ સામેલ કરવામાં આવ્યો છે. સેમસન કે કિશાન ઓપનિંગમાં હોય તો મધ્ય હરોળમાં રિન્કુસિંહ માટે પણ સ્થાન બની શકે. અગરકરે કહ્યું હતું કે, સાતત્ય કરતાં પણ મુદ્દો કોમ્બિનેશનનો છે. જો વિકેટકીપર ટોચના ક્રમે બેટિંગ કરી રહ્યો હોય, તો ટીમમાં બીજા વિકેટકીપરનો સમાવેશ થઈ શકે, જેથી જો કોઈ સમસ્યા સર્જાય તો તે જગ્યા ભરી શકાય. જીતેશ (શર્મા) અત્યારે ટીમમાં હતો, પણ તેણે કોઈ ભૂલ કરી ન હતી. શુભમનની ગુણવત્તા વિશે કોઈ શંકા નથી. કદાચ તે ફક્ત રન બનાવી રહ્યો નથી. તે આ વખતે પણ વર્લ્ડ કપ ટીમનો ભાગ નહીં હોય. તે કમનસીબ છે. ગિલનો સમાવેશ લગભગ નક્કી મનાતો હતો, પણ છેલ્લી ઘડીએ જ તેની બાકાતીનો નિર્ણય લેવાયો હતો એમ કહેવાય છે.

Panchang

dd