નલિયા, તા. 20 : અબડાસા
તાલુકાના નલિયા પાસે આવેલા સરકારી ઘેટા ઉછેર કેન્દ્રની જમીન પર કરવામાં આવેલા
ગેરકાયદે દબાણો પર વહીવટી તંત્રએ લાલઆંખ કરી છે. લાંબા સમયથી આ સરકારી જમીન પર
ભૂમાફિયાઓ દ્વારા કબજો જમાવીને રાયડાના પાકનું વાવેતર કરાયું હોવાની બાબતની
ગંભીરતાને ધ્યાને લઈ વહીવટી તંત્ર દ્વારા 6.52 હેક્ટર જેટલી જમીન દબાણમુક્ત
કરાઇ હતી. નલિયા ખાતેના ઘેટા ઉછેર કેન્દ્રની માલિકીની જમીન પર કેટલાક શખ્સો દ્વારા
ગેરકાયદે રીતે રાયડાના પાકનું વાવેતર કરી દેવાયું હતું. આ દબાણ હટાવવા માટે અબડાસા
નાયબ મામલતદાર તુષાર વ્યાસની આગેવાનીમાં ટીમ દ્વારા દબાણવાળી જમીન પર ટ્રેક્ટરો
ચલાવીને વાવેતરનો સોથ વાળી જમીન ખુલ્લી કરાઇ હતી. કામગીરીમાં ડી. પટેલ (મદદનીશ
પશુપાલન નિયામક, ઘેટા ઉછેર કેન્દ્ર-નલિયા), ડો. શેરાસિંહ ચૌહાણ (પશુ
ચિકિત્સક-નલિયા), એ.એમ. મકવાણા (પોલીસ ઇન્સ્પેક્ટર-નખત્રાણા),
વી.એમ. ઝાલા (પોલીસ ઇન્સ્પેક્ટર-નલિયા), ડી.પી.
ચુડાસમા (જખૌ) સહિતના અધિકારીઓ જોડાયા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે
વાયોર, જખૌ અને નલિયા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ચુસ્ત
પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. અબડાસા તાલુકામાં વિવિધ સરકારી વિભાગો હસ્તકની જમીનો
અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં આવેલી ગૌચર (ચરીયાણ)ની જમીનો પર મોટાપાયે દબાણો
થયા હોવાની રાવ ઉઠી રહી છે. નલિયામાં થયેલી આ કડક કાર્યવાહીના પગલે હવે ગામેગામ
ગૌચરની જમીનો પર થયેલા દબાણો પણ સત્વરે હટાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી હતી.