• રવિવાર, 21 ડિસેમ્બર, 2025

છાત્રોની હાજરી પ્રમાણે શાળાને મળશે ગ્રાન્ટ

અમદાવાદ, તા. 20 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતના શિક્ષણ વિભાગે રાજ્યની ગ્રાન્ટ-ઈન-એઈડ (અનુદાનિત) શાળાઓની ગુણવત્તા સુધારવા અને વિદ્યાર્થીઓની નિયમિતતા વધારવા માટે એક પાયાનો નિર્ણય લીધો છે. નવા જાહેર કરાયેલા નિયમો મુજબ, હવેથી ગ્રાન્ટેડ શાળાઓને અપાતી ગ્રાન્ટનો સીધો આધાર વિદ્યાર્થીઓની હાજરી પર રહેશે. આ નિર્ણયમાં લઘુમતી શાળાઓ સહિતની તમામ ગ્રાન્ટ-ઈન-એઈડ શાળાઓને આવરી લેવામાં આવી છે. શિક્ષણ વિભાગના વિસ્તૃત પરિપત્ર મુજબ, જો શાળામાં વિદ્યાર્થીઓની સરેરાશ હાજરી નિર્ધારિત ટકાવારી કરતા ઓછી જોવા મળશે, તો તે શાળાની નિભાવ ગ્રાન્ટમાં સીધો કાપ મૂકવામાં આવશે. જો વર્ગખંડમાં વિદ્યાર્થીઓની સંખ્યા નિયત ટકાવારી કરતા ઓછી હશે, તો શાળાની ગ્રાન્ટમાં મોટો કાપ મુકવામાં આવશે, જે 100% સુધી પણ હોઈ શકે છે. અત્યાર સુધી ગ્રાન્ટેડ શાળાઓને વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે ગ્રાન્ટ મળતી હતી, પરંતુ હવે તેમાં 'હાજરી'ના ધોરણો ઉમેરવામાં આવ્યા છે. સરકારના આ પગલાથી હવે શાળા સંચાલકો અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને નિયમિત શાળાએ લાવવા માટે વધુ જહેમત ઉઠાવવી પડશે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માટે અલગ-અલગ માપદંડ નવા નિયમોમાં ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને તફાવત રાખવામાં આવ્યો છે. શહેરી વિસ્તારોમાં સ્થિત શાળાઓ માટે 80 ટકા હાજરી ફરજિયાત કરવામાં આવી છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારની શાળાઓ માટે આ મર્યાદા 55 ટકા રાખવામાં આવી છે. શહેરી વિસ્તારો માટેના નિયમો ખૂબ જ કડક બનાવવામાં આવ્યા છે. જો શહેરી વિસ્તારની શાળામાં વિદ્યાર્થીઓની હાજરી 80 ટકાથી ઓછી હશે, તો ગ્રાન્ટમાં 25 ટકાનો કાપ મૂકવામાં આવશે. જો આ હાજરી ઘટીને 50 ટકાથી નીચે જશે, તો ગ્રાન્ટમાં 50 ટકાની કપાત થશે. સૌથી ગંભીર બાબત એ છે કે જો હાજરી 60 ટકાથી પણ ઓછી હશે (અમુક સંજોગોમાં શરતોને આધીન), તો સરકાર દ્વારા 100 ટકા ગ્રાન્ટ કાપી લેવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો, ગામડાઓની ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ત્યાં થોડી રાહત આપવામાં આવી છે, છતાં નિયમોનું પાલન કરવું જરૂરી છે. ત્યાં 55 ટકા હાજરી રાખવી અનિવાર્ય છે. જો ગ્રામ્ય શાળામાં વિદ્યાર્થીઓની સરેરાશ હાજરી 40 ટકાથી પણ ઓછી નોંધાશે, તો તેવી શાળાની ગ્રાન્ટ 100 ટકા સુધી કાપી લેવામાં આવશે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર કાગળ પર ચાલતી શાળાઓ પર લગામ લગાવવાનો અને વિદ્યાર્થીઓ વર્ગખંડ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનો છે. હવે સંચાલકોએ ગ્રાન્ટ મેળવવી હશે તો વિદ્યાર્થીઓને શાળાએ લાવવા માટે વિશેષ પ્રયત્નો કરવા પડશે.

Panchang

dd