• રવિવાર, 21 ડિસેમ્બર, 2025

ટી-20 વર્લ્ડ કપની ટીમ ઈન્ડિયામાંથી ગિલ બાકાત

મુંબઈ, તા. 20 : ભારતીય પસંદગીકારોએ એક હિંમતભર્યો નિર્ણય લઈને ટી-20 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમાંથી ફોર્મ વિહોણા શુભમન ગિલને પડતો મુકાયો હતો અને વિકેટકીપર બેટસમેન ઈશાન કિશન અને રિન્કુસિંહની વાપસી થઈ હતી. ટેસ્ટ અને વન-ડે ટીમના કપ્તાન ગિલની બાકાતીને લીધે ક્રિકેટ વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો છે. અક્ષર પટેલને ઉપસુકાની બનાવાયો છે, જ્યારે ગિલની જેમ જ ફોર્મ ગુમાવી ચૂકેલા પણ ટી-20ના ધુરંધર બેટધર સૂર્યકુમાર યાદવે કપ્તાની જાળવી રાખી હતી. ઈશાન અને રિન્કુસિંહ પણ સામેલ છે. ઈશાન બે વર્ષ બાદ ભારતીય ટીમમાં પરત ફર્યો છે. તેને ઘરેલુ ક્રિકેટમાં સારા પ્રદર્શનનું ઈનામ મળ્યું છે. મુંબઈ સ્થિત બીસીસીઆઈ હેડક્વાર્ટરમાં પસંદગીકર્તાઓની આ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં બીસીસીઆઈ સચિવ દેવજિત સૈકિયાએ ટીમનું એલાન કર્યું હતું. પ્રેસ કોન્ફરન્સમાં સૂર્યકુમાર યાદવ પણ જોડાયો હતો. શુભમન ગિલને ટીમની બહાર કરવાનો નિર્ણય ચોંકાવનારો છે કારણ કે, દક્ષિણ આફ્રિકાની શ્રેણી સુધી ટીમનો ઉપકેપ્ટન હતો. શુભમનને ખરાબ ફોર્મનું ફળ ભોગવવું પડયું છે. હવે સંજુ સેમસન અને અભિષેક શર્મા ઓપનિંગની જવાબદારી સંભાળશે. જિતેશ શર્મા પણ 15 સભ્યની ટીમનો ભાગ નથી. વિશ્વ કપ માટે જાહેર કરવામાં આવેલી ટીમ જ ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 શ્રેણીમાં ભાગ લેશે. મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે કહ્યું હતું કે, ગિલને બહાર રાખવાનો નિર્ણય આસાન નહોતો, પણ તે હાલ રન બનાવી શકતો નથી. ટીમમાં સાત ખેલાડી એવા છે જે ટી-20 વિશ્વ કપ 2024માં રમ્યા હતા અને હવે ટીમમાં સામેલ નથી. આ ખેલાડી રોહિત શર્મા, વિરાટ કોહલી, રવીન્દ્ર જાડેજા, રિષભ પંત, મોહમ્મદ સિરાજ, યશસ્વી જયસ્વાલ અને યુઝવેન્દ્ર ચહલ છે. ટી-20 વિશ્વ કપની યજમાની ભારત અને શ્રીલંકા કરવાના છે. ટૂર્નામેન્ટની શરૂઆત સાતમી ફેબ્રુઆરીથી થવાની છે અને ખિતાબી મુકાબલો 20 માર્ચના નિર્ધારિત છે. ગત ચેમ્પિયન ભારતીય ટીમને આ વખતે ગ્રુપ એમાં રાખવામાં આવ્યું છે, જેમાં અમેરિકા, નામીબિયા, નેધરલેન્ડ અને પાકિસ્તાન સામેલ છે. ટીમ ઈન્ડિયા પોતાના ગ્રુપ મુકાબલા અલગ-અલગ ચાર સ્ટેડિયમમાં રમશે, જેમાં દિલ્હી, મુંબઈ, કોલંબો અને અમદાવાદ સામેલ છે.

ટી-20 ટીમ : સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અક્ષર પટેલ (ઉપકેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડયા, શિવમ દુબે, સંજુ સેમસન (વિકેટકીપર), કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રિન્કુસિંહ, હર્ષિત રાણા, ઈશાન કિશન (વિકેટકીપર)

Panchang

dd