ઉમર ખત્રી દ્વારા : મોટી વિરાણી (તા નખત્રાણા), તા. 20 : વિશ્વભરમાં દેશના રાષ્ટ્રીય પરિધાન સાડીની અલગ છબી તરી આવે તે હેતુથી 21 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય સાડી દિવસ ઊજવાય છે, સાડી જ એક એવું પરિધાન છે અનેક જે પેઢીઓ સુધી વારસાગત રીતે આપવામાં આવે છે. કચ્છની ઓળખ માત્ર તેની ધરતી, રણ અને લોકસંસ્કૃતિથી જ નહીં, પરંતુ અહીંની હસ્તકલા અને વસ્ત્રપરંપરાથી પણ છે. બાંધણી સાડીનો ક્રેઝ કચ્છની સાડીઓ એ માત્ર પહેરવેશ નહીં, પરંતુ પેઢી દર પેઢી ચાલતી કળા, સંસ્કૃતિ અને કારીગરોના અવિરત પરિશ્રમનું જીવંત પ્રતીક છે. બાંધણીની સાડીઓએ મહિલાઓને ઘેલું લગાવ્યું છે. આજે બાંધણીમાં વિવિધ કાપડની સાડીઓ માર્કેટમાં ચલણ છે. પહેલાં કોટન પર જ બાંધણી થતી અને સામાન્ય કલર જ બનતા. (પહેલાં કોટન, ટીસ્યૂ, ફિલામેન્ટ પોલિએસ્ટરની સાડીઓ 50 વર્ષ પહેલાં વપરાતી) અત્યારના આ યુગમાં મોડલ, સિલ્ક, ઘંટડી, ટીસ્યૂ અને પટોરા જેવાં કાપડ પર બાંધણી સાથે અવનવા કલર ટાઈડાઈ, ગુલટી, ચણિયાચોળી, રાસ પૂતડી, શિબોરી વગેરે સાડીઓની અવનવી ડિઝાઇન સાથે ઝીણી બાંધણી સાથે નેચરલ, કુદરતી શરીરને આડ અસર ન થાય એવા રંગ આપવામાં આવે છે, એવું હકીમભાઈ ખત્રી અને મતીન ખત્રી ભુજએ કહ્યું હતું. અજરખ ,બાટિક, બ્લોક પ્રિન્ટની સાડી હાલમાં કરછની અજરખ, બાટિક, બ્લોક પ્રિન્ટની સાડીનો પણ ક્રેઝ વધ્યો છે. અન્ય સાડીઓ સાથે આ કચ્છી ભાત ધરાવતી બ્લોક પ્રિન્ટોનું ધૂમ ચલણ છે એવુ ગુલમામદ ખત્રી (અજરખપુર)એ કહ્યું હતું. નિરોણાની રોગાન સાડી પણ વિખ્યાત નિરોણાની વિખ્યાત રોગન આર્ટમાં પણ સાડી વર્ષોથી બને છે, પણ આ સાડી નિરોણામાં જ રોગાનના કારીગરો પાસે મળે એવુ રોગાન આર્ટના કારીગર આરબભાઈ ખત્રીએ જણાવ્યું હતું. સાડી બાંધણી માટે ઘર-ઘર રોજીરોટી, મહિલાઓ આત્મનિર્ભર સાડીબંધ ભીંઢી બાંધવા માટે આજે કચ્છના લગભગ ગામડાંઓમાં ખત્રી સિવાયની કાસ્ટ હિન્દુ -મુસ્લિમ મહિલાઓ ઘર બેઠે રોજગારી મેળવી આત્મનિર્ભર બની રહી છે, તો અમુક મહિલાઓ એજન્ટ પણ છે જે વેપારીઓ પાસેથી સાડીઓ બાંધણી માટે લઈને ગામડાંમાં ઘરોઘર જઈને બંધ બાંધણી માટે આપવા જાય છે અને કમિશન કમાવે છે. આમ સાડી બાંધણી બંધ બંધાવી મહિલાઓ આત્મનિર્ભર પણ બની રહી છે.